ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો, કોંગ્રેસનો વોકઆઉટ

Text To Speech

પાલનપુર: નગરપાલિકાની સાધારણ સભા શનિવારે પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં શહેરની બદતર બની ગયેલી સ્થિતિને લઈને કોંગ્રેસના કોર્પોરેટરો એ હોબાળો મચાવ્યો હતો અને સભામાંથી વોકઆઉટ કર્યો હતો. જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, પાલિકામાં કોર્પોરેટર અને તેમના સગાઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે. જેને લઈને ભારે હલચલ મચી ગઈ હતી. જ્યારે ગણતરીની મિનિટોમાં સાધારણ સભા આટોપી દેવામાં આવી હતી.

પાલનપુર પાલીકામાં કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર બની ગયા : વિપક્ષ

દર વખતની જેમ આ વખતે પણ પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા વિવાદાસ્પદ બની હતી. વિપક્ષોના અનેક આક્ષેપો વચ્ચે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેમાં શનિવારે સાધારણ સભા પાલિકાના પ્રમુખ કિરણબેન રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી કરવાનો પ્રારંભ થતાં જ કોંગ્રેસના વિપક્ષી નેતા અંકિતા ઠાકોરે શહેરમાં ઠેક ઠેકાણે પડેલા ખાડા, પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને કચરાના ઢગલાઓના મુદ્દે રજૂઆત કરી હતી. અંકિતા ઠાકોરે પાલિકાના કેટલાક કોર્પોરેટર સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાલિકાના કેટલાક કોર્પોરેટરના ભાઈઓ, પતિઓ અને ખુદ કોર્પોરેટરો જ કોન્ટ્રાક્ટર બની ગયા છે. ત્યારે હવે પાલનપુરની પ્રજાને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે કયા કોર્પોરેટર પાસે અપેક્ષા રાખવી એવો પ્રશ્ન કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે, પ્રજાએ વોટ આપ્યા છે પરંતુ અત્યારે તો તેમને દુઃખ જ સહન કરવું પડી રહ્યું છે.

કોંગ્રેસના કોર્પોરેટરો-humdekhengenews

હિસાબના આંકડા સત્તાધારી પક્ષે બહુમતીના જોરે મંજૂર કર્યા

આ સાધારણ સભામાં હોબાળા બાદ વિપક્ષી કોંગ્રેસના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા. જ્યારે સત્તાધારી ભાજપ પક્ષના સભ્યોએ સભામાં રજૂ કરવામાં આવેલા આવક – જાવક ના ત્રિમાસિક આંકડાઓને બહુમતીના જોરે મંજૂર કરીને સભા પૂર્ણ કરી દીધી હતી. પાલનપુર પાલિકાની જ્યારે જ્યારે સાધારણ સભા યોજાય છે, ત્યારે ગણતરીની મિનિટોમાં જ એજન્ડા ની કાર્યવાહીમાં મુદ્દાઓને મંજૂર.. મંજૂર…કહીને સભા પૂરી કરી દેવામાં આવે છે. જેને લઈને વિપક્ષી સભ્યો પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકતા નથી.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં તાજીયા દરમિયાન મોટી દુર્ઘટના, 15 જેટલા લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના મોત

Back to top button