બનાસકાંઠા: સાર્વત્રિક ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
પાલનપુર: બનાસકાંઠામાં વાવાઝોડાના પગલે પવન સાથે વરસાદ થતાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વડગામ સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ત્યારે સૌથી ઓછો દાંતીવાડા એક ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાઇ જવા પામ્યું છે. તેમજ પાલનપુર એરોમા સર્કલથી જુના આરટીઓ સર્કલ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા નેશનલ હાઈવે એક તરફનો બંધ કરવામાં આવ્યો છે.
“જિલ્લામાં સૌથી વધુ વડગામ સવા ચાર અને સૌથી ઓછો દાંતીવાડામાં એક ઇંચ વરસાદ
જેના પગલે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પાલનપુર એરોમા સર્કલ થી તમામ વાહનોને ચંડીસર થઈ આબુરોડ તરફ મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે આરટીઓ સર્કલથી એરોમા સર્કલ તરફ જતી વખતે બિહારી બાગ નજીક નેશનલ હાઇવે પર ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ જતા પાલનપુર નગરપાલિકા ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી કારને બહાર કાઢવામાં આવી હતી.
અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં બંધ કરાયા
બનાસકાંઠા જિલ્લામાં વાવમાં પોણા બે ઇંચ, થરાદમાં બે ઇંચ, ધાનેરામાં ચાર ઇંચ, દાંતીવાડામાં એક ઇંચ, અમીરગઢમાં અઢી ઇંચ, દાંતામાં અઢી ઇંચ, વડગામમાં સવા ચાર ઇંચ, પાલનપુરમાં અઢી ઇંચ, ડીસામાં સવા ત્રણ, દિયોદરમાં ચાર ઇંચ,ભાભરમાં સાડા ત્રણ ઇંચ, કાંકરેજમાં દોઢ ઇંચ, લાખણીમાં બે ઇંચ,સુઈગામમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
વાવાઝોડા સાથે અનેક જગ્યા પર વૃક્ષો ધરાઇ થવાના કારણે અનેક રસ્તાઓને બંધ થઈ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાવાઝોડા સાથે વરસાદના પગલે બનાસકાંઠા નું વહીવટી તંત્ર પણ એલટ મોડ માં જોવા મળી રહ્યું છે. જ્યારે વિજ થાંભલાઓ ધરાશાયી થતા કેટલાક તાલુકાઓના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ કંપનીના અધિકારીઓ પણ ખડે પગે કામગીરીમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: બાજોઠીયા મંદિર પાસેનો ચેક ડેમ છલકાયો