બનાસકાંઠા : કતલખાને લઈ જવાતા ઘેટા- બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ
બનાસકાંઠા 6 જૂન 2024 : બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની મદદથી કતલખાને લઈ જવાતા ઘેટા બકરાઓને બચાવી ડીસા ની કાંટ રાજપુર પાંજરાપોળને સોંપ્યા છે.પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઘેટા બકરાઓને સારવાર આપી હતી. આ ઘેટા બકરાઓને રાજસ્થાનથી નાસિક એરપોર્ટથી અરબ દેશોમાં નિકાસ કરવાની હતી.
બનાસકાંઠાના જીવ દયા પ્રેમી વખતસિંહ ડાભી, દિનેશભાઈ ગેલોત, અરવિંદભાઈ ચૌધરી,આશિક સાધુ પાલનપુર હનુમાન ટેકરી પાસે ઉભા હતા ત્યારે બે ટ્રકોમાં ઘેટા બકરા ભરેલા જણાતા તેઓએ ટ્રક ચાલકને રોકી પાસ પરમિટ માંગતા તે ન હોવાથી પાલનપુર પોલીસને જાણ કરી હતી. બંને ટ્રકના ચાલકો આદિલખાન પઠાણ અને નસુલ્લાખાન સિપાહી તેમજ બંને ખલાસીઓ ટ્રક મૂકી નાસી ગયા હતા. જેથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ આવી પંચનામું કરતા એક ટ્રક માંથી 243 અને બીજી ટ્રકમાંથી 276 મળી કુલ 519 ઘેટા બકરા ખીચો ખીચ ભરેલા અને કોઈ પણ પ્રકારની ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા. જેથી પોલીસે ઘેટા બકરા ને જપ્ત કરી ટ્રક ચાલકો સામે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે કતલખાને લઈ જવાતા ઘેટા બકરાને રખરખાવ માટે રાજપુર કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા.પાંજરાપોળના સંચાલકો જીવદયા પ્રેમીઓની ટીમે મોડી રાત્રે તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી તેમજ તમામ ડોક્ટર ની ટીમ બોલાવી ઘેટા બકરા ને સારવાર આપી હતી.
આ પણ વાંચો : આખરે ડીસા નગરપાલિકા જાગી તો ખરા, ડોકટર હાઉસ ના 43 તબીબો ને નોટિસ ફટકારી