ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં ત્રણ દિવસમાં ચાઈનીઝ દોરી સાથે બે શખ્સો ઝડપાયા

Text To Speech
  • શહેર દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

પાલનપુર 07 જાન્યુઆરી 2024: ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ડીસામાંથી પોલીસે ત્રણ દિવસમાં બે જગ્યાએથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સહિત શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ

સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલો અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાયમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે હરિઓમ સ્કૂલ પાસે એક્ટીવા પર એક શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી.

ચાઈનીઝ દોરીની 10 રીલ જપ્ત કરી

જેથી પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટીવા પર આયુષ ભરતભાઈ મોદી નામનો યુવક મળ્યો હતો. જેને પકડી તપાસ કરતા શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતાં યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જેથી પોલીસની ટીમે ચાઈનીઝ દોરીની 10 રીલ જપ્ત કરી હતી. તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસે એકટીવા સહિત કુલ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે દિવસ અગાઉ પણ હુસેની ચોક પાસેથી ચાઈનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી. ત્યારે પોલીસે ત્રણ દિવસમાં બે શખ્સોને ચાઈનીઝ દોરા સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અયોધ્યાઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓ 15 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરશે

Back to top button