બનાસકાંઠા: ડીસાના મારુતિપાર્કમાં તુલસી વિવાહ યોજાયો
- મારુતિ પાર્ક સોસાયટીના સભ્ય દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું
ડીસા, 24 નવેમ્બર: સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. કારતક મહિનામાં દેવ ઉઠી એકાદશી પછી બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની અગ્યારસની તિથિ પર તુલસીજીના ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરાવવામાં આવે છે. ત્યારે ડીસાની મારૂતિપાર્ક સોસાયટીમાં પણ તુલસી વિવાહનુ આયોજન કરાયું હતું.
ડીસાની મારુતિપાર્ક સોસાયટી માં દેવઊઠી અગ્યારસની રાત્રે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરાયું હતું. શાસ્ત્રીય માન્યતા અનુસાર, આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. પૌરાણિક માન્યતા અનુસાર, દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુના અવતાર શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. અને ત્યારબાદ જ લગ્નના મુહૂર્ત પણ નીકળતા હોય છે. ત્યારે ડીસાની મારુતિપાર્ક સોસાયટી ખાતે મહિલા મંડળ દ્વારા દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ તુલસી વિવાહના પ્રસંગમાં કન્યા પક્ષ તરફથી સાવિત્રીબેન મોઢ અને લક્ષ્મીબેન શર્મા, વરરાજા પક્ષ તરફથી ગીતાબેન ઠક્કર અને અનીલાબેન ઠક્કર તેમજ મોસાળ પક્ષ તરફથી વીણાબેન જોષી અને રિંકુબેંન ઠક્કરના પરિવારે દાન આપ્યું હતું.
જ્યારે સોસાયટીના તમામ લોકોએ સાથે મળી જાનૈયાઓની ભૂમિકા ભજવી હતી. વિવાહ દરમ્યાન સોસાયટીના રહીશોએ તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનને નમન કરી દરેકના ઘરમાં સુખ ,શાંતિ, સમૃદ્ધિ અને એકતા બની રહે તે માટે પ્રથાના કરી હતી. તુલસી વિવાહ સંપન્ન થયા બાદ તમામ લોકોએ સાથે મળી ફરાળી અલ્પાહારની પણ મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉર્મિલાબેન મહેશ્વરી સહિત મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: ઉદ્યોગ માલિકોની રજૂઆત બાદ ડીસા જીઆઇડીસીમાં પાલિકા દ્વારા પાણી આપવાની શરૂઆત