બનાસકાંઠા : ડીસા – પાલનપુર હાઈવે પર ટ્રેલર ચાલકે દંપતીને અડફેટે લીધા, શિક્ષકની પત્નીનું મૃત્યુ
પાલનપુર 27 માર્ચ 2024 : ડીસા – પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઈજા પહોંચતા કરુણ મૃત્યુ નિપજ્યું છે.
ડીસા – પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. માણસા ગામના વતની વિનોદભાઈ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હીનાબેન વાપારાણી સાથે બાઈક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી. જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુ માંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મૃત્યુ થયું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો : અટલ પેન્શન યોજનાઃ નિર્મલા સીતારમણ અને જયરામ રમેશ વચ્ચે શબ્દ યુદ્ધ