બનાસકાંઠા: ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ હાથ ધરાયુ
પાલનપુર, 14 જૂન 2024, રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અંગેની ઝુંબેશ ચાલી હતી. જ્યારે હવે શાળાઓ શરૂ થતા પોલીસ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ કરવાની ડીસા શહેર ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પ્રથમ દીને ચાર વાહનો જપ્ત કરાયા હતા જ્યારે ચાર વાહનોને મેંમા આપવામાં આવ્યા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગી ઉઠેલી સરકારે રાજ્યભરમાં શાળા કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ, હોસ્પિટલ, કચેરીઓ, જાહેર સ્થળો માં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા જ્યારે અનેકને નોટિસો પાઠવવામાં આવી હતી.
રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા
ગઈકાલથી શાળાઓ શરૂ થતા સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસે આજે સ્કૂલવાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઇ એમ.બી. દેવડા,હેડ કોન્સ્ટેબલ દિલીપ પ્રજાપતિ સહિત સ્ટાફે બાળકોને શાળાએ લઈ જતા વાહનોની પરમિટ, ફિટનેસ, પીયુસી, સીએનજી વાહન હોય તો તેનું સર્ટિફિકેટ, સ્કૂલ બસ ની માન્યતા, ડ્રાઇવરના લાઇસન્સ, વીમો, આરટીઓ પાસિંગ સહિતના સાધનિક કાગળોની તપાસ હાથ ધરી હતી. જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા ચાર વાહનને ડિટેન કરવામાં આવ્યા હતા જ્યારે ચાર વાહનોને મેમા પાવતી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃબનાસકાંઠા : જિલ્લામાં બે લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયા