બનાસકાંઠા : શુભ મુહૂર્તમાં પરંપરાગત ધરતી પૂજા:ડીસામાં અખાત્રીજના દિવસે ખેડૂતોએ ધરતી પૂજા કરી
*પાલનપુર: ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. ત્યારે અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં પણ આજે (શનિવારે) ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કૂમ કૂમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે.
કંકુ, ચોખા, ઘઉં અને પુષ્પોથી હળોતરા કરી ઈશ્વરને પ્રાર્થના કરી
અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે ડીસાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા, વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજે પહેલા ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા. ત્યારે બળદને શણગારી હળ સાથે બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું, પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતાં હળ-બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. અને કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખુબજ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા-રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે.
આ બાબતે ખેડૂત અગ્રણી કનવરજી ઠાકોર અને પિનલ ઠાકોરે જણાવ્યું હતું કે, ધરતી માતાએ સમગ્ર દુનિયાને અનાજ પૂરું પાડે છે. ત્યારે વર્ષમાં એક વખત તેનું પૂજન થવું જોઈએ અને અખાત્રીજનો દિવસ એ સૌથી શ્રેષ્ઠ છે એટલે આજે ખેડૂત પરિવાર વાજતે ગાજતે આવી કંકુ, ઘઉં, ચોખા અને પુષ્પથી ધરતી માતા અને ટ્રેકટર સહિતના સાધનોનું પૂજન કર્યું હતું. તેમજ આવનાર વર્ષ ખેડૂતો માટે અને લોક માટે ખૂબ જ લાભદાયક અને ફળદાયી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તે મુજબ પણ બદલાવવા માંડી છે. ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે.
આ પણ વાંચો :અંદરોઅંદરના યુદ્ધમાં સુદાન તબાહ, 400 લોકોના મોત, હજારો લોકો બેઘર, સંઘર્ષ હજુ પણ ચાલુ