બનાસકાંઠા : ડીસા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી માવઠું, સક્કરટેટી, બટાકાના પાકને વ્યાપક નુકસાનની ભીતી
પાલનપુર 2 માર્ચ 2024 : ડીસા પંથકમાં આજે વહેલી સવારથી જ ભારે ગાજવીજ સાથે કમોસમી માવઠું થયું હતું અને સતત ઝરમર ઝરમર વરસાદ વરસતા સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા સક્કરટેટી અને બટાકાના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે વહેલી સવારથી જ ડીસા પંથકમાં વાદળછાયુ વાતાવરણ થયું હતું. આકાશ પણ કાળા વાદળોથી ઘેરાયા બાદ ધીમીધારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો ત્યારબાદ ધોધમાર વરસાદી ઝાપટા પણ પડ્યા હતા અને દિવસ ભર જરમર ઝરમર વરસાદ રહેતા સાંજ સુધીમાં અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉનાળાની શરૂઆત ટાણે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.
ડીસા તાલુકાના વિઠોદર, જેરડા, કંસારી, રાણપુર સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખેતરમાં પડેલા બટાટાના પાકને અને સક્કરટેટીનું વાવેતર કરેલ ખેતરોમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થવાની આશંકા છે જેને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
આ પણ વાંચો : ભાજપની પહેલી યાદીમાં 195માંથી 28 મહિલા ઉમેદવાર, જાણો સમગ્ર યાદી