બનાસકાંઠા : બનાસનદી જોવા આવેલા ત્રણ યુવકો ડૂબ્યા
પાલનપુર: દાંતીવાડા ડેમમાંથી બુધવારે બપોરે ત્રણ ગેટ ખોલીને બનાસનદીમાં પાણી છોડાયા બાદ નદીના પાણી આગળ વધી રહ્યા હતા. ગુરુવારે સવારે આ પાણી ડીસા પહોંચ્યું હતું. જેથી આગળ વધતા જુનાડીસાથી પણ આગળ બનાસ નદીનું પાણી આગળ વધી રહ્યું છે. ત્યારે નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારના આજુબાજુના લોકો બનાસ નદીમાં આવેલા પાણીને જોવા માટે નદી કાંઠે ઉમટી રહ્યા છે.જેમાં કેટલાક લોકો નદીમાં નાહવાની લાલચ રોકી શકતા નથી. અને નદીમાં નાહવા પણ ઉતરે છે.
જેમાં ગુરુવારે બપોર પછી ડીસા નજીક આવેલા જુનાડીસા ગામના સુમરા પરિવારના ત્રણ યુવકો નદી જોવા આવ્યા હતા અને બાદમાં બનાસ નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમ્યાન આ ત્રણેય યુવકો પાણીના વહેણમાં તણાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ જુનાડીસા ગામમાં પ્રસરી જતા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો નદીના કાંઠે દોડી ગયા હતામ જ્યારે આ અંગે તંત્રને જાણ થતા ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં આ ત્રણે યુવકોની સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ આદરવામાં આવી છે.