બનાસકાંઠા: કાંકરેજ તેરવાડા ગામમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
પાલનપુર: કાંકરેજ તાલુકાના તેરવાડાના પરા વિસ્તારમાં આવેલી ફતેપૂરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ સમાચાર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા શોકનો માહોલ સર્જાયો હતો.
તળાવમાં હાથ ધોવા જતા લપસતાં ડૂબ્યા
કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં શૈલેષ શિવરામ પરમાર (ઉંમર વર્ષ 14), ઠાકોર શૈલેષ રમેશજી (ઉંમર વર્ષ 10), ઠાકોર કિશન રમેશજી (ઉંમર વર્ષ 10) શાળા અભ્યાસ કરતા હતા. આ અંગે શાળાના શિક્ષિકા ચેતનાબેને જણાવ્યું હતું કે, આ આ ત્રણેય વિદ્યાર્થીઓ શાળા છૂટયા બાદ ઘરે જતા હતા. ત્યારે નજીકમાં આવેલ તળાવ કિનારે કુદરતી હાજતે ગયા હતા એવું કહેવાય છે. અને ત્યાં તળાવમાં હાથ પગ ધોવા માટે જતાં એક બાદ એક એમ એકબીજાને બચાવવા જતાં આ ત્રણેય વિદ્યાર્થીઓ એક સાથે મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે. મૃત્યુ પામનાર બાળકોમાં બે સગા ભાઈ છે.
જ્યારે એક માનો એકજ લાડકવાયો દીકરો હતો. આમ ત્રણ મિત્રો સાથે ભણતા હતા. આજે શાળાએ થી ઘરે પરત આવતાં સાંજના સમયે બાળકો ડુબ્યાની ઘટના સામે આવી હતી. આજુબાજુમાં રહેતા ખેડૂતોને આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક ત્રણેય બાળકોની તળાવના પાણીમાં શોધખોળ આદરી હતી. જેમાં ત્રણેય બાળકોના મૃતદેહો બહાર કાઢીને દીયોદર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગામમાં સર્જાયેલ આ દુઃખદ ઘટનાથી સમગ્ર તેરવાડા અને ફતેપૂરા ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો : બિહાર વિધાનસભામાં ઘમાસાણ: તેજસ્વી યાદવના રાજીનામાની માંગને લઈને ઉછળી ખુરશીઓ