ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વૃદ્ધ સાથે અકસ્માત કરનાર યુવકો પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

Text To Speech
  • જાતિ અપમાનિત અપશબ્દો બોલી હુમલો કરતા ત્રણ સામે ફરિયાદ

પાલનપુર , 21 ડિસેમ્બર 2023 :  ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ભીલવાસમાં રહેતા યુવક પર સામાન્ય અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સહિત ત્રણ શખ્સોએ બે યુવક પર હુમલો કર્યો હતો અને ત્રણ શખ્સોએ યુવકોને માર મારી જાતિ વિશે અપમાનિત કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ભીલવાસમાં રહેતા તક્ષ જેંતીલાલ માજીરાણા તથા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજીરાણા બંને જણા બાઈક લઈને ટી.સી.ડી. ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીસા હાઈવે પર રામાપીરના મંદિરથી દીપક હોટલ જવાના રસ્તા પર કિશોર પાર્ક સોસાયટી આગળ એકટીવા લઈને જતા વૃદ્ધને ટક્કર લાગતાં અકસ્માત થયો હતો.અકસ્માતમા વૃદ્ધ નીચે પડી જતા તેઓને હાથે પગે છોલાઈ જતા ઇજાઓ થઈ હતી.

દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા તેમજ વૃદ્ધે ફોન કરીને તેઓના દીકરાઓને બોલાવ્યા હતા. જોકે આ દરમિયાન બાઈક પર આવેલા દિપક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધી, હંસરાજ માળી અને સાવન દવેએ આવીને તુષાર અને તક્ષને તેઓની જાતિ વિશે પૂછતા તેઓએ માજીરાણા હોવાનું જણાવતા બંનેને જાતિ વિશે અપમાનિત કરી શબ્દો બોલી લાફા અને ફેટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યાર બાદ ત્રણેય બંને યુવકોને માર મારતાં ટિસીડી ગ્રાઉન્ડ લઈ ગયા હતા.

આ બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બનાવ અંગે ઇજાગ્રસ્ત તક્ષ જેંતીલાલ માજીરાણાએ ત્રણેય વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બાયો ડિઝલ પંપ શરૂ કરવાના કૌભાંડમાં તપાસ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ

Back to top button