બનાસકાંઠા: નાવિસણામાં વીજ કરંટે એક જ પરિવારના ત્રણનો ભોગ લીધો


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાવીસણા ગામમાં વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં માતા-પિતા અને પુત્ર સહિત ત્રણ લોકોના વીજ કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યા છે.
બ્રાહ્મણ પરિવારનો માળો પિંખાયો
વડગામના નાવિસણામાં બનેલી અત્યંત દુઃખદ ઘટનામાં બ્રાહ્મણ પરિવારના પ્રકાશભાઈ કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ઘરકામ સંભાળતા હતા. દરમિયાન મંગળવારે વીજળીના થાંભલા સાથે કપડા સુકવવાનો તાર બાંધેલો હતો. ત્યારે કપડાં સૂકવવા જતા પ્રકાશભાઈના પત્નીને વીજ કરંટ લાગ્યો હતો.
કપડાં સૂકવવાનો તાર લાઈટના થાંભલે બાંધ્યો હતો
દરમિયાન બુમાબુમ થતા દોડી આવેલા પ્રકાશભાઈ અને દીકરાને પણ પત્નીને બચાવવા જતા તેઓ પણ વીજના સંસર્ગમાં આવ્યા હતા. જેમાં પતિ – પત્ની અને 12 વર્ષના પુત્ર સહિત ત્રણેનું કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે પરિવારમાં ધોરણ બે માં અભ્યાસ કરતી માત્ર એક દીકરી જ હવે બચી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા નાવીસણા ગામમાં શોક ની લાગણી પ્રસરી છે. જાણવા મળ્યા મુજબ પરિવારમાં માત્ર ચાર વર્ષની દીકરી ને હવે કોઈ સગો ભાઈ રહ્યો નથી. અને કાકા કે કોઈ વડીલ પણ નથી. જેથી આ દીકરી નોંધારી બની ગયો હોવાનું જાણવા મળ્યું છે. નાવીસણામાં બનેલી આ કરુણ ઘટનાથી ગ્રામજનો સ્તબ્ધ બન્યા છે.