બનાસકાંઠા : ઝેરડા પાસેથી જવેલર્સની લૂંટ કરનાર વધુ ત્રણ આરોપી ઝડપાયા
- રૂ. 23.94 લાખના લૂંટ ના મુદ્દામાલ સાથે વધુ ત્રણ આરોપી ઝડપી પાડ્યા
પાલનપુર 21 મે 2024 : ડીસાના ઝેરડા પાસે જવેલર્સ પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઇ રૂ. 23.94 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યોં હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ડીસા તરફ આવતાં જવેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઈજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જૅ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસ ને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા.
ત્યારબાદ મુખ્યસૂત્રધાર સહીત ત્રણ આરોપીને ઝડપવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવસ્ત્રોત અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એ. વી. દેસાઈ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુલસિંહ જીવણસિંહ વાઘેલા દરબાર, (રહેવાસી રોબસ મોટી, ડીસા) જયેશસિંહ જેણુંસિંહ રાઠોડ દરબાર (રહેવાસી હાથિદરા, પાલનપુર) નિકુલસિંહ જીતુભા વાઘેલા દરબાર (રહેવસી ઉંબરી, કાંકરેજ) ગાડી નંબર GJ 08 AP 0118 લઈને ખીમતથી વીઠોદર તરફ આવી રહ્યા હોવાની હકીકત મળતા તેમને ઝડપી લઈ તલાસી લેતા ગાડીમાંથી સોનાના દાગીના રૂ. 20,51,605ની કિંમતના તેમજ ચાંદીના દાગીના રૂ 3,21,277ની કિંમતના તેમજ ગુન્હામાં સંડોવાયેલ કાર અને મોબાઈલ મળી રૂ 29,04,882ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓને રિમાન્ડ પર મેળવવા ની તજવીજ હાથ ધરી ગુન્હાની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચાલવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ચેક રીટર્ન કેસમાં ડીસાના વેપારીને એક વર્ષની સજા