ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાની સબજેલમાં ફૂડ પોઇઝનિંગ થતાં ત્રણ આરોપીઓને વોમિટીંગ

Text To Speech

પાલનપુર: ડીસાની સબજેલમાં આજે ફૂડ પોઇઝનિંગના કારણે આરોપીઓ બેભાન થઈ ઢળી પડ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અસરગ્રસ્ત આરોપીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસાની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં સબજેલ આવેલી છે. જ્યાં આજે ફૂડ પોઈઝનિંગના કારણે આરોપીઓ બેભાન થઈ ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી. ડીસાની આ સબજેલમાં 30 આરોપીઓને રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન આજે સવારે આરોપીઓને સરકારી મેનુ મુજબ મગનું શાક, દાળ-ભાત, રોટી અને છાશ આપવામાં આવ્યું હતું. ભોજન આરોગ્યા બાદ અચાનક 3 આરોપીઓને વોમીટ શરૂ થઈ ગઈ હતી.

ફૂડ પોઇઝનિંગ-humdekhengenews

ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતા જ ડીસા વિભાગના ડીવાયએસપી ડો. કુશલ ઓઝા સહિત પોલીસ કાફલો સબજેલ ખાતે પહોચ્યો હતો અને તરત જ અસરગ્રસ્ત આરોપીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જેમાં ત્રણ અસરગ્રસ્ત આરોપીઓની સાથે ભોજન લેનાર 16 આરોપીઓને પણ સારવાર માટે ખસેડી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ આરોપીઓની તબિયત સુધારા પર છે. બનાવને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ ભોજનના તેમજ પાણીના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

ફૂડ પોઇઝનિંગ-humdekhengenews

આરોપીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

આ અંગે નાયબ કલેકટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, આજે સબજેલમાં અચાનક ત્રણ આરોપીઓને વોમીટ શરૂ થતા પોલીસ સહિત અલગ અલગ વિભાગની ટીમો સબજેલ ખાતે પહોંચી હતી અને અસરગ્રસ્ત ત્રણ આરોપીઓની સાથે અન્ય શંકાસ્પદ 16 આરોપીઓને પણ સારવાર અર્થે ખસેડી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અને ફૂડ વિભાગની ટીમે ખોરાક અને પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટમાં આવેલા જેતપુરના ગોદરા વિસ્તારમાં 6 જર્જરિત મકાનો ધરાશાયી, 3 ના મોત

Back to top button