બનાસકાંઠા: આ ખાડો આપણા કોર્પોરેટરોને આભારી…!
પાલનપુર: નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે. જેને લઈને વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેની ફરિયાદો પણ લોકો પાલિકામાં કરીને હવે થાકી ગયા છે, ત્યારે સ્થાનિક પ્રજાજનોએ હવે નવો કિમીઓ અજમાવ્યો છે. શહેરમાં માર્ગો ઉપર પડેલા મોટા ખાડાઓમાં જે – તે વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો નું નામ લખીને બેનર લગાવવાનું સામે આવ્યું છે.
પાલનપુરમાં રોડના ખાડામાં લોકોએ બેનર લગાવ્યું
આ બેનરને ખાડા વચ્ચે ઊભુ કરી દેવામાં આવ્યું છે. જેમાં પાલનપુર નગરપાલિકાનાવોર્ડ નંબર 9ના ચૂંટાયેલા કોર્પોરેટરો નીલમબેન જાની, કવિતાબેન પ્રજાપતિ, પિયુષભાઈ પટેલ અને દિપકભાઈ પટેલના નામ લખી એક બેનર રોડ વચ્ચેના ખાડામાં ઉભુ કરી દીધું છે. જેમાં એવું પણ લખ્યું છે કે, આ ખાડો આપણા કોર્પોરેટરોને આભારી છે. અહીંના માર્ગમાં વચ્ચે જ ઊભા કરવામાં આવેલા આ બેનરની બંને તરફથી અત્યારે વાહનો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે ત્યારે બેનર ભારે ચર્ચાસ્પદ બન્યું છે. વળી સોશિયલ મીડિયામાં પણ આ બેનર વાયરલ થઈ રહ્યું છે. તેના પર લોકો ધડાધડ કોમેન્ટ પણ આપી રહ્યા છે. આવી કોમેન્ટોમાં એક વ્યક્તિએ એવું પણ જણાવ્યું કે આ બેનરમાં ખાતાના ચેરમેન નું નામ પણ હોવું જોઈએ, એટલે ખબર પડે કે માત્ર ટકાવારીમાં જ રસ ન લેવાય…થોડું કામ પણ કરવું પડે. તો આ ખાડાને બે વર્ષનો સમય થયો છે એવું પણ એક જણે લખી દીધું હતું.
જાગો… જાગો…. પાલનપુર વાસીઓ
જ્યારે આ ખાડામાં ચાલુ વરસાદમાં એક મા અને તેમની દીકરી પણ પડયા હોવાનું કોઈએ યાદ કરાવ્યું હતું. આમ માર્ગ ઉપર પડેલા ખાડાને રીપેરીંગ કરાવવાનો લોકોએ આ નવો કિમીયો શોધી કાઢ્યો છે. હવે જોવું એ રહ્યું કે આ કીમીયો કેટલો કારગર નિવડે છે.
આ પણ વાંચો : AMCના કર્મચારીએ સફાઈ કામદારને પણ ન છોડ્યો; છેવટે ACBના છટકામાં ફસાયો