બનાસકાંઠા : ડીસા લાખણી પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે
- દિયોદરના વડીયા થી ડીસાના ઝેરડા ગામના ગુલાબ સાગર તળાવ સુધી નવી પાઇપલાઇન નંખાશે
પાલનપુર : બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા ભાજપ સરકાર પ્રયત્નશીલ છે. જેમાં ડીસા પંથકમાં તળિયે ગયેલા ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવવા ભૂગર્ભ જળ બચાવવા, વહીજતા વારીજળ રોકવા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ભારે જહેમત ઉઠાવી રહયા છે. ત્યારે ધારાસભ્યના પ્રયાસોથી દિયોદર તાલુકાના વડીયાથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાંથી ડીસા તાલુકાના ઝેરડા ગામના ગુલાબ સાગર તળાવ સુધી પાઇપલાઇન દ્વારા પાણી લાવી રસ્તામાં આવતા તમામ ગામોના તળાવો પાણીથી ભરવાની બહુહેતુક યોજના સરકાર દ્વારા મંજૂર કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કાંકરેજ તાલુકાના ચાંગા થી દાંતીવાડા ડેમ સુધી પાઇપલાઇન દ્વારા પાણી ડેમમાં નાખવાની યોજના અમલમાં છે જ્યારે થરાદ થી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની અને કડાણા ડેમ થી થરાદના રાહ પહોંચતી સુજલામ સુફલામ નહેરમાં રાહ સુધી ૧૦૦૦ ક્યુસેક પાણી પહોંચાડવાની કામગીરી પ્રગતિના પંથે છે.ત્યારે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પાણીના પ્રશ્નને પ્રધાન્યતા આપી ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં નર્મદાનું પાણી લાવી ભૂગર્ભજળ ઊંચા આવે તેમ જ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉકેલાય તે માટે ભગીરથ પ્રયાસો હાથ ધરાયા છે. અત્યારે ધારાસભ્યના પ્રયાસથી સરકાર દ્વારા દિયોદર તાલુકાના વડીયા થી પસાર થતી નર્મદા નહેરમાંથી પાઇપલાઇન નાખી ડીસા તાલુકાના જેરડા ગામના ગુલાબ સાગર તળાવમાં પાણી નાખવાની બહુહેતુક યોજના મંજુર કરવામાં આવી છે .
અંગે ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ચાંગા-દાંતીવાડા અને થરાદ-સીપુ પાઇપલાઇન બાદ વચ્ચેના પટ્ટા ના ગામો ને સમાવવા આપણા મૃદુ અને સમસ્યાઓને સંકલન થકી નિવારવા પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભુપેદ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળીઆ એ દિયોદર તાલુકાના વડિયા ગામથી પશ્ચિમી ભાગોના ગામોને નર્મદા કેનાલ કમાંડ એરિયામાં સમાવિષ્ટ કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવા. અંદાજીત ૧૨૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરીની સિદ્ધાંતિક મજૂરી આપેલ છે.
આ લાઇન નર્મદાની મુખ્ય કેનાલ થી થરાદ,દિયોદર, ડીસા,લાખણી તાલુકાના૧૩૨ ગામો જોડાશે. વડીયાથી ડીસાના ઝેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાઇપ લાઇન નાખી ત્રણ કિ. મી. સુધી ની ત્રીજીયામાં આવતા તમામ તળાવો ભરવામાં આવશે.જ્યારે બોર બનાવી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની કામગીરી થશે.જેનાથી ખેડૂતો સમૃદ્ધ બનશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગરીબોના તહેવાર નહીં બગડે, સસ્તા અનાજના વેપારીઓની હડતાલ સમેટાઈ, સરકારે માંગનો કર્યો સ્વીકાર