બનાસકાંઠા : પાલનપુરના સૌથી મોટા ગામ ગઢને તાલુકો બનાવવાની માંગણી ઉઠી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે. થરાદમાં ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ રાહ ગામની એક સભામાં જો પોતે થરાદ થી ચૂંટાઈને જશે તો સૌપ્રથમ રાહ ગામને તાલુકો બનાવવાના કામને અગ્રતા આપશે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગઢ ગામના લોકોમાં પણ ગઢની 30 વર્ષ જૂની માગણી નો સળવળાટ શરૂ થઈ ગયો હતો.
થરાદમાં શંકરભાઇએ રાહ ને તાલુકો બનાવવાના વચન આપ્યું
પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગામ ગણાતા ગઢ ગામ સાથે આજુબાજુના 50થી વધુ કામોનો ધંધાકીય અને સામાજિક વ્યવહાર ચાલે છે. અહીંયા મોટાભાગની સરકારી કચેરીઓ પણ આવેલી છે. થરાદના રાહને તાલુકો બનાવવા ઉમેદવાર જાહેરમાં વચન આપે તો ગઢ ગામમાં પ્રચાર માટે આવનારા ઉમેદવાર પાસે પણ તાલુકો બનાવવા માટે વચન માગવાનું અહીંના મતદારોએ મન બનાવી લીધું છે. આ અંગે સ્થાનિક આગેવાન રૂપસિંહભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ પડ્યા ત્યારથી ગઢને તાલુકો બનાવવા માટેનો ઠરાવ થયો હોવાનું મેં જાણ્યું છે. જ્યારે જિલ્લા પંચાયત બનાસકાંઠામાં પણ આવો ઠરાવ કરાયો છે.
ગઢને તાલુકો બનાવવા 30 વર્ષથી માગણી થઈ રહી છે
અમારી માગણી તો 30 વર્ષ જૂની છે. જેના માટે અગાઉ સાંસદ, ધારાસભ્ય અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ચૂંટણી આવી છે ત્યારે જે પણ ઉમેદવાર ગઢ ગામમાં પ્રચાર માટે આવશે તેને ગઢ ને તાલુકો બનાવવાની જાહેરાત કરવાનું વચન આપવું પડશે.
બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો
જ્યારે ગઢ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની આ માંગણી વર્ષો જૂની છે, અને અમારો હક પણ છે. સરકારે અમારી માગણીને કોરાણી મૂકી દીધી છે. ત્યારે હવે ગઢ તાલુકાની લાગણી છે કે ચૂંટણીમાં જીતીને આવનારા ઉમેદવારે આમારી માંગણી સંતોષવી પડશે. આ અંગે જિલ્લા ભાજપના અગ્રણી ગોવિંદભાઈ ભૂટકા એ ભાજપના નેતાઓને ચીમકી આપી દીધી છે કે, જો સરકાર ગઢને તાલુકો નહીં બનાવે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. જ્યારે રમેશ પટેલે પણ માંગણી પૂરી નહીં થાય તો પક્ષ- વિપક્ષ બધાને નુકસાન ભોગવવું પડશે તેમ જણાવ્યું હતું. આમ ગઢને તાલુકો બનાવવા માટેની માગણી વિધાનસભાની ચૂંટણી અગાઉ અહીંના લોકોમાં ઉગ્ર બની છે.
આ પણ વાંચો : મતદાન જાગૃત્તિ માટે પાણીપુરી વિક્રેતાએ આપ્યો અનોખો સંદેશ