બનાસકાંઠા :ડીસાના વરનોડામાં 20 દિવસમાં 4 વાર ચોરી
- ગ્રામજનો ત્રાહિમામ
- પેટ્રોલિંગ વધારી આરોપીઓને ઝડપી લેવા લોકોની માગ
પાલનપુર : ડીસા તાલુકાના વરનોડા ગામમાં વારંવાર ચોરી થતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠે છે. એક મહિનામાં જ 4 વાર ચોરી થતા કંટાળેલા ગ્રામજનોએ આગથળા પોલીસને રજૂઆત કરી ચોરી કરનાર શખ્સોને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ડીસા તાલુકાના વરનોડા ગામમાં તસ્કરો એક પછી એક દુકાનને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બે દિવસ અગાઉ જ એક કરિયાણાની દુકાનમાંથી 65 હજાર રૂપિયાના માલમતાની ચોરી થયા બાદ ગત રાત્રે ફરી એક બીજી કરીયાણાની દુકાનનુ તાળું તોડી અંદાજે 40 હજાર રૂપિયાના માલમત્તાની ચોરી થઈ છે. વારંવાર ચોરીના કારણે ગ્રામજનોમા ભયનો માહોલ છવાયો છે. તેમજ ગ્રામજનોએ આગથળા પોલીસ મથકે જાણ કરી તસ્કરોને તાત્કાલિક ઝડપી લઈને ગામને ચોરોના આતંકમાંથી મુક્ત કરાવવાની માગ કરી છે.
આ અંગે ગામના સરપંચ પાંચા દેસાઈ અને ચોરીનો ભોગ બનનાર દુકાનદાર નરસિંહ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, તેમના ગામમાં વારંવાર ચોરીઓની ઘટના ચાલુ છે અને એક જ મહિનામાં ચાર જગ્યાએ ચોરી થઈ છે. જે બાબતે આગથળા પોલીસ મથકે જાણ કરી તો પોલીસ આવીને જવાબ લખીને જતી રહે છે, પરંતુ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી. ત્યારે પોલીસ અહીં નાઈટ પેટ્રોલિંગ વધારે અને જલ્દીમાં જલ્દી ચોરોને પકડે તેવી માગ કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં તંત્રની વધુ એક બેદરકારી, ભૂગર્ભ ગટરની ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં ગાય ગરકાવ