બનાસકાંઠા: પાલનપુરમાં કંથેરીયા હનુમાન દાદાની પ્રતિમા સો વર્ષ પહેલાં કરાઈ હતી પ્રસ્થાપિત
પાલનપુર: શહેરમાં સો વર્ષ જુના કંથેરિયા હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. ઉપરાંત બારે મહિના ભક્તોની ભીડ જામે છે. પાલનપુરના નવાબે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
પાલનપુર શહેરના નવાબ સાહેબના પરિવારમાં કોઈ બીમાર પડ્યું અને આ વિસ્તારમાંથી કોઈ વનસ્પતિ લાવી પરિવાર ના સભ્યને સાજા કરવામાં આવ્યા. અને નવાબ સાહેબે અહીં મંદિર બનાવવાનું ફરમાન કર્યું. આમ કંથેરીયા હનુમાન દાદાની ચમત્કારિક પ્રતિમા અહીં સો વર્ષ પહેલાં પ્રસ્થાપિત થઇ. ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાના દર્શને અહીં રોજ ભક્તો દર્શન કરવા આવે છે. જોકે ખાસ નવાઈની વાત એ છે કે, અહીં બિરાજતા દાદાને લાડુ અને પાન બહુ ભાવે છે અને એટલેજ દર મંગળવારે ભાવિક ભક્તો હનુમાન દાદાને પાન ખવડાવવા અને લાડુ થી મ્હો મીઠું કરાવવા આવી જાય છે. દર શનિવારે અહીં દાદાને તેલ, શીંદુર અને આકડાની માળા ચઢાવવામાં આવે છે. લોકોમાં કંથેરીયા હનુમાન ખાસ્સા એવા પ્રચલિત છે અને એટલેજ મંદિરના વિકાસ પાછળ ભક્તો હર હંમેશ પોતાનો આર્થિક સહકાર આપતા ખચકાતા નથી. અનેક સેવાભાવી લોકો અહીં હનુમાન દાદાની ભક્તિમાં નિત્ય કર્મે જોડાયેલા રહે છે અને પોતાની શક્તિ મુજબ તન મન ધનથી સેવા કરે છે.
બારે માસ દર્શનાર્થીઓથી ધમધમતા આ મંદિરમાં અનેક ધાર્મિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અહીં બારે માસ દિન દુખિયાઓને જમાડવામાં આવે છે. ગાયો માટે પણ અહીં એક ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. હનુમાન જ્યંતી એ આખું પાલનપુર શહેર આ દિવસે એક રસોડે જમે છે. કોઈપણ પ્રકારના નાત- જાતના ભેદ ભાવ વિના ભાઈચારાની ભાવના સાથે અહીં તમામ પ્રસંગ સુખરૂપ પાર પાડવામાં આવે છે. આ ઉપરાંત અહીં રોજે રોજ આવતા દર્શનાર્થીઓને વિના મુલ્યે નિદાન સારવાર મળી રહે તેમાટે એક તબીબ પણ હાર હંમેશ ખડેપગે રહે છે.
કંથેરીયા હનુમાન દાદા અહીં આવનાર સહુ કોઈની મનોકામના પુરી કરે છે. અહીં આવતા ભક્તો જે પણ મનમાં ઓરતા રાખે છે તેની આપૂર્તિ કરે છે અને એટલેજ અહીં આવતા ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે કંથેરીયા હનુમાન દાદાની યશો ગાથા પાલનપુરના સીમાડા વટાવી કાઠિયાવાડ સુધી પહોંચી છે. દાદાના હજારો ભક્તો કાઠિયાવાડમાંથી પણ ધાર્મિક તહેવારો દરમ્યાન સેવા આપવા પહોંચી જાય છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: રામાયણના પાત્ર ભજવનાર બાળકોને રોટરી ડિવાઈન ક્લબ દ્વારા પ્રોત્સાહિત કરાયા