ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાલિકાએ ડોલીવાસમાં નવો રોડ બનાવતા 10 ગામના લોકોની સમસ્યા હલ થઈ

  • લોકોને 12 કિલોમીટર ફરીને આવવું પડતું હતું

પાલનપુર : ડીસામાં ડોલીવાસથી કુપટ ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંથી અનેક ગામોના ખેડૂતો અને ધંધા રોજગાર માટે આવતા લોકોને અવરજવર કરવામાં ભારે હલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી આ માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જેના પગલે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી કુપટને જોડતો માર્ગ નવો બનાવતા હાલ 10 ગામના લોકોને આ નવા રોડથી ફાયદો થઈ રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તા લાઈટ અને પાણીની વ્યવસ્થા સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી દર વર્ષે વિકાસ કાર્યો માટે ફાળવે છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો છે કે જ્યાં રસ્તાઓને બાબતે લોકો આઝાદી બાદ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના લોકો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા હોય છે અને રોજે રોજ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પરથી ખેડૂતોને પોતાના પાક લઈને શહેરી વિસ્તારોમાં વેચાણ કરવા માટે જવાનું હોય છે.

ડીસા શહેરમાં ડોલીવાસ વિસ્તારથી કુપટને જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો. જેના કારણે અહીંથી પસાર થતા અનેક ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. વર્ષોથી કુપટ તેમજ આજુબાજુના 10 ગામના લોકો પાકા રસ્તાની રાહ જોઈને બેઠા હતા. આ રસ્તો ખરાબ હોવાના કારણે વાહનચાલકોને 12 કિલોમીટર વધારે ફરીને જવું પડતું હતું. જેના કારણે અવારનવાર ગાયત્રી મંદિર અને જલારામ મંદિર પાસે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડતું હતું. તો બીજી તરફ અવારનવાર નેશનલ હાઈવે પર અનેક લોકોને અકસ્માતો નડ્યા છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે 12 ગામના લોકોએ ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જેના પગલે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી કુપટને જોડતો નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે. જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાનો હાલ અંત આવ્યો છે. કૂપટ ગામથી બનાસ નદીમાં પસાર થતો ડોલીવાસ સુધીનો રસ્તો હાલમાં નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવતા હાલ આ ગામના લોકોને અનેક ઘણો ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને 10 ગામના લોકોને જે 12 કિલોમીટર ફરીને જવું પડતું હતું તે હવે બંધ થયું છે. અને માત્ર એક કે બે કિલોમીટરના રસ્તાથી સીધા ડીસા શહેરમાં પહોંચી જવાય છે. જેના કારણે હાલ ખેડૂતો અને ધંધા રોજગાર માટે રોજેરોજ અપડાઉન કરતા સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી હતી. ત્યારે અમે તાત્કાલિક ધોરણે લોકોની કાયમી સમસ્યાઓનો અંત આવે તે માટે આરસીસી રોડ બનાવ્યો છે. જેથી હવે લોકોને વાહનોમાં ઈંધણ બચવાની સાથે સાથે સમયની પણ બચત થશે.’

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં બાળકોને રાષ્ટ્રિય રમત હોકીની નિઃશુલ્ક તાલીમ

Back to top button