બનાસકાંઠા : ડીસાનું જાદવ દંપતી છેલ્લા 17 વર્ષથી લોકોને શિખવાડે છે યોગ
- લોકો સ્વસ્થ, નિરોગી રહે એવો પ્રયાસ
પાલનપુર : સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર ભારત ભૂમિ છે. યોગની શરૂઆત વર્ષો પહેલા આપણા દેશમાં થયેલી છે. જે ઋગવેદમાં યોગનો ઉલ્લેખ જોવા મળે છે. આમ તો યોગનો ઉલ્લેખ મઠો, આશ્રમો દેવાલયોમાં સીમિત માત્રામા સંકળાયેલો રહેતો હતો. ભારતની ઋષી મુનિઓની મહાન સંસ્કૃતિ યોગને વિશ્વ સમક્ષ મુકવા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ UNO સમક્ષ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને UNO એ મંજુરી આપતા વર્ષ-૨૦૧૫ થી ૨૧ જૂનને સમગ્ર દુનિયામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ પર ઉજવણી થવા જઇ રહી છે ત્યારે આજે વાત કરવી છે એક એવા યોગ કોચની કે જેમણે યોગના માધ્યમથી કેટલાંય લોકોને નિરોગી, તંદુરસ્ત જીવન જીવવાની પ્રેરણા પુરી પાડી છે.
“કરો યોગ અને રહો નિરોગ
કરો યોગ, ભગાડો રોગ”
આ સૂત્રને ચરિતાર્થ કરતા ડીસા આદર્શ હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને યોગ કોચ લક્ષ્મણભાઇ અંબારાભાઇ જાદવ અને તેમના ધર્મપત્ની શ્રીમતી મીનાબેન જાદવ છેલ્લા ૧૭ વર્ષથી યોગમય જીવન જીવી લોકોને યોગ શિખવાડે છે. તેઓ લોકોના ઘર ઘર સુધી યોગ પહોંચડવા રાત દિવસ ગામડાઓમા જઈ લોકોને યોગ શિખવાડે છે તથા યોગના ફાયદાઓ વિશે માહિતી આપે છે. લોકોને દવાખાનાના પગથીયાં ન ચડવા પડે અને તેઓ સ્વસ્થ, નિરોગી રહે એવો પ્રયાસ આ દંપતિ દ્વારા કરવામાં આવે છે. જેના લીધે ડીસા પંથકના લોકોમાં યોગ, આસન, પ્રાણાયમ, ધ્યાન પ્રત્યે લોકોની રસ-રૂચિ વધી છે અને ઘણાં લોકો નિયમિત યોગ કરતા થયા છે.
લક્ષ્મણભાઇ જાદવે જણાવ્યું કે, મેં અને મારા પત્નીએ વર્ષ- ૨૦૦૬માં પતંજલિ યોગપીઠમાં જઇને યોગની એક મહિનાની ટ્રેનિંગ લીધી હતી. એના ફાયદાઓ અમને સમજાતા અમે નક્કી કર્યું કે, મારા બનાસકાંઠા જિલ્લાને યોગમય બનાવવો છે એટલે અમે જિલ્લામાં ગામડે ગામડે જઈને યોગનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો, શરૂઆતના વર્ષોમાં અમે ટીસીડી ફાર્મ ડીસા ખાતેના ગ્રાઉન્ડમાં યોગની શરૂઆત કરી હતી ત્યારબાદથી ૧૭ વર્ષથી ડીસા બગીચા સાંઇબાબાના મંદિર પરિસરમાં અમારી યોગ શિબિર સતત યોજાય છે. જેમાં અમે નિઃશુલ્ક સેવા આપી લોકોને યોગ શિખવાડીએ છીએ. આ યોગ શિબિરના માધ્યમથી અમે ૧૫૦ થી વધુ ગામડાઓમાં જઈ યોગની સાથે સાથે વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, પ્રભાત ફેરી અને યોગની માહિતી જન જન સુધી પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજોમાં ભણતા યુવાનોને યોગના રસ્તે વાળી તેમની આવતીકાલ ઉજ્જવળ અને નિરોગી બને તેની ચિંતા પણ કરીએ છીએ. તેમણે કહ્યું કે, યોગ એ પરમ સાધનાનો વિષય છે. યોગ એ વ્યક્તિત્વ ઘડતર, આત્મા સાથે પરમાત્માને જોડનાર અને વ્યક્તિને શારીરિક તથા માનસિક રીતે ઉર્જાવાન બનાવે છે. યોગથી જુના જટીલ રોગો પણ મટી શકે છે.
ભારતભૂમિને ફરીથી યોગમય બનાવવાનો સંકલ્પ
ડીસાના યોગ કોચ લક્ષ્મણભાઇ જાદવે કહ્યું કે, અમારી યોગ સેવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે અમારું વર્ષ- ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બેસ્ટ યોગ ટ્રેનરનો એવોર્ડ એનાયત થયો હતો. આ એવોર્ડ મળતાં અમારો ઉત્સાહ બેવડાયો અને ત્યારબાદ યોગ ક્ષેત્રે પ્રદાન બદલ તેમને નાના મોટા કુલ- ૨૫૦ થી વધુ એવોર્ડ મળ્યાં છે. આ યોગયાત્રામાં મને લોકો દ્વારા, સંસ્થાઓ દ્વારા અને ખાસ કરીને મારી પત્ની મીનાનો પણ ખુબ જ સાથ સહકાર મળ્યો છે અને એ પણ ડીસા ખાતે યોગ શિબિર ચલાવી રહી છે. જેના થકી આ યોગની યાત્રાને વધુ વેગ મળ્યો છે. લક્ષ્મણભાઇ અને મીનાબેન જાદવ દંપતિએ યોગમય જીવન જીવવાના સંકલ્પ સાથે વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે ભારતભૂમિને ફરીથી યોગમય બનાવવાનો સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડીસા શહેર પોલીસ દ્વારા યોજાઈ બાઈક રેલી