બનાસકાંઠા : પાલનપુર નો હાઇવે વરસાદના પાણીમાં થયો ગરકાવ
- અનેક વાહનો ફસાયા, કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
- આબુરોડ થી આવતા પર્યટકો માર્ગમાં અટવાયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના મધ્યમાંથી પસાર થતો દિલ્હી – મુંબઈ નેશનલ હાઈવે રાત્રે પડેલા વરસાદને લઈને અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. જેથી આ માર્ગ ઉપર થી પસાર થતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જતા અનેક વાહનો પણ ખોટકાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આબુરોડ તરફથી આવતા પર્યટકોને પણ બે – બે કલાક સુધી પોતાના વાહનમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું.
પાલનપુર પંથકમાં પડેલા વરસાદથી દેવપુરાનું ગરનાળુ પણ પાણીથી ભરાતા અનેક વાહનો ફસાયા હતા. તો અહીંથી પસાર થતાં રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શહેરમાં આવેલા માન સરોવર તળાવની બાજુમાં હરીપુરા વિસ્તારના માર્ગમાં બે તરફ ટેકરા હોવાથી વચ્ચેના ભાગમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી અહીંયા રહેતા સ્થાનિકોને પણ હેરાનગતિ ભોગવી પડી રહી છે.
આ માર્ગો પરથી પસાર થતું એક ટેન્કર પણ ફસાઈ જતા સમગ્ર માર્ગ બ્લોક થઈ ગયો હતો. જ્યારે કોલેજ કંપાઉન્ડ જામભાઈની વાડીમાં પણ થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જ્યારે આબુરોડ જૂની આરટીઓ કચેરી તરફના માર્ગ ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. જિલ્લાના ડીસા શહેરમાં આવેલા સુખદેવ નગર અને રેજીમેન્ટ રોડ ઉપરના જવાના માર્ગ પણ વરસાદી પાણીથી તરબતર થયા હતા. જેથી શાળાએ જતા છાત્રોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. હજુ વરસાદની આગાહી છે. ત્યારે ખેડૂતોમાં વરસાદને લઇને ખુશીનો માહોલ છે.
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
1. અમીરગઢ. : 35
2. ભાભર : 35
3. દાંતા : 61
4. દાંતીવાડા. : 35
5. ડીસા : 39
6. દિયોદર : 60
7. ધાનેરા : 25
8. કાંકરેજ : 36
9. લાખણી : 81
10. પાલનપુર : 76
11. સૂઇગામ : 33
12. થરાદ : 49
13. વડગામ : 43
14. વાવ : 18
આ પણ વાંચો : પાલનપુર : દાંતીવાડા BSF કેમ્પસમાં અગ્નીવિર ઉમેદવારોની તાલીમ શરૂ, યુવાનોનું આર્મીમાં જોડાવાનું સપનું થશે સાકાર