બનાસકાંઠા: ડીસાના સણથ ગામેથી પશુ ચોર ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો
- બે આરોપીઓ ફરાર
- પોલીસે ચાર પશુઓ સહિત 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુર 8 ફેબ્રુઆરી 2024: ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલા પાંજરાપોળમાંથી બે દિવસ અગાઉ પશુઓની ચોરી કરનાર ટોળકીના મુખ્ય સાગરીતને પોલીસે દબોચી લીધો અને ચાર પશુઓ અને જીપડાલું સહિત 4.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલા પાંજરાપોળમાંથી બે દિવસ અગાઉ પશુઓની ચોરી થઈ હતી. જેની ફરિયાદ થતા પોલીસ સતર્ક બની હતી અને ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આજે PSI સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે સણથ ગામે ચોરી કરેલા પશુઓ એક ખેતરમાં હોવાની માહિતી મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી. સણથ ગામે આવેલા સમસુદ્દીન આરબખાન બલોચના ખેતરે તપાસ કરતા ચોરીના ઉપયોગમાં લેવાયેલું જીપડાલું મળી આવ્યું હતું. જેથી પોલીસે સમસુદ્દીનની કડક પૂછપરછ કરતા ચોરેલા પશુઓ ખેતરમાં બાંધ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તરત જ ચાર પશુઓ અને જીપડાલા સહિત 4.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચોરીમાં મદદ કરનાર અશરફખાન મેવેખાન બલોચ અને નિયાઝખાન ઈસ્માઈલખાન બલોચ સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે. જે કેસ અંગે વધુ તપાસ ભીલડી પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં તમામ હોસ્પિટલ્સ-ક્લિનિક્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત