બનાસકાંઠા: ડીસામાં જિલ્લા પોલીસ વડાએ 10 ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કર્યો
પાલનપુર: ડીસા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના 10 જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ડીસામાં મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અનેક લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર નેહા પંચાલ, ગ્રામ્ય મામલતદાર ડો. કિશનદાન ગઢવી, શહેર મામલતદાર એસ. ડી. બોડાણા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો, ફરિયાદો અને રજુઆત સાંભળી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદી અને સામે જે તે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના સાત જ્યારે શહેરી વિસ્તારના ત્રણ મળીને કુલ 10 ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. જ્યારે અન્ય ફરિયાદો અને રજૂઆતો બાબતે જે તે વિભાગના અધિકારીઓને આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા પાસે બનાસ નદીમાં નાહવા પડતા ભડથ ગામનો યુવક ડૂબ્યો