બનાસકાંઠા : થરાદના બે રોડની 20 વર્ષે માગણી સંતોષાઈ


- વામી- લુણાલ- દુધવા રોડનું કરાયું ખાતમુહૂર્ત
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદના વામીથી દુધવા એમ બે માર્ગો 20 વર્ષથી રોડ કાચા હતા. આ ત્રણેય ગામના લોકો કાચા માર્ગના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. જેને લઈને સ્થાનિક અગ્રણીઓ અને સરપંચોએ ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરી હતી. છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા આ માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગો પાકા રસ્તાથી હવે જોડાશે. 20 વર્ષે માગણીઓનો સ્વીકાર થતા ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ હતો.
ધારાસભ્ય ગુલાબસિંહ અગાઉ થરાદ વિસ્તારના વિકાસના કામોને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારે હવે આ માર્ગો માટે તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી વામી ગામના ગ્રામજનો દ્વારા ધારાસભ્યનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ધારાસભ્યએ પણ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.