બનાસકાંઠા : વર્ષમાં બે વખત જ ખુલતું પાલનપુરનું નાગણેજી માતાનું મંદિર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેરમાં એક એવું મંદિર આવેલું છે, જેના વર્ષમાં માત્ર બે જ વખત દ્વાર ખુલે છે. જ્યારે મંદિર ખુલે છે ત્યારે ભાવિકોની દર્શન માટે ભારે ભીડ જામે છે. નાગણેજી માતાજીનું મંદિર પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું છે. જે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પંચમી અને નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે મંદિરના દ્વાર ખુલે છે.
આ અંગે એવી માન્યતા છે કે, પાલનપુરના નવાબ સાહેબને સપનામાં નાગણેશ્વરી માતાજી આવેલા અને નવાબ સાહેબે નાગણેશ્વરી માતાજી પાસે પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન માંગ્યું હતું. ત્યારબાદ નવાબ સાહેબને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા નવાબ સાહેબે 1628 ની સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મંદિરમાં નાગ પાંચમના દિવસે હવન થાય છે. અને નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે મહાપૂજા થાય છે. મંદિર વર્ષમાં બે વખત ખુલતું હોવાથી પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક -ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.અને નાગણેજી માતાજીના શ્રદ્ધા સાથે ભાવિકો દર્શન કરે છે, જેમની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા પ્રવર્તે છે.
આ પણ વાંચો: ગાંધી જયંતિ પર સાયન્સ સીટી ખાતે અદ્ભૂત ડ્રોન શો યોજાયો !