બનાસકાંઠા : ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સરવે શરૂ
- ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી
પાલનપુર 27 ફેબ્રુઆરી 2024: ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી.
ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં રજૂઆત કરી હતી.જેના ઉપાય માટે ધારાસભ્યએ ડીસા પાસે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફનો ઘટાડો થઈ શકે તેવી રજૂઆતને પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે.
આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે. આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસ નદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે. જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર, સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે. ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતાં પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે. જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે.
આ પણ વાંચો : રાજકોટમાં બિલ્ડર્સ ગૃપ પર ITના દરોડા, 15થી વધુ જગ્યાએ 150 અધિકારીઓની ટીમ ત્રાટકી