બનાસકાંઠા: માલોત્રામાં તળાવ ખોદવામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇ માપણી
- બનાસ ડેરી, સિંચાઇ વિભાગ, આગેવાનો સાથે તળાવની માપણી કરી
પાલનપુર : ધાનેરાના માલોત્રા ગામમાં તળાવનું ખોદકામ કરી રહેલા કોન્ટ્રાકટર મશીનરી સાથે ગાયબ થઇ જતાં ગામના આગેવાનો સાથે માલોત્રા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચએ તળાવ ઉંડું કરવાની કામગીરીમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપો સાથે વહિવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. જેને લઇ બનાસ ડેરી, સિંચાઇ વિભાગ સાથે ગામના આગેવાનોની હાજરીમાં ખોદકામ થયેલ તળાવની માપણી કરાઇ હતી. આ અંગે હરજીભાઈ પટેલ તથા ગ્રામજનોની રજૂઆત હતી કે જેટલું કામ થાય તેટલી રકમની ચુકવણી કરવી જે મામલે બનાસડેરીના અધિકારીઓએ મધ્યસ્થ બની કાળઝાળ ગરમી વચ્ચે પણ કલાકો સુધી અંદાજિત 30 વીઘામાં ફેલાયેલા તળાવની ઉંડાઈની માપણી કરાઈ હતી. તળાવ ઉંડું કરવા માટે એજન્સીને 30 હજાર સીએમટી પ્રમાણે કામ સોંપાયું હતું. જો કે, માપણી દરમિયાન 20 હજાર 257 સીએમટી કામ થયું છે. 9 હજાર 747 સીએમટી કામ હજુ બાકી છે. આખરે સિંચાઇ વિભાગ તેમજ બનાસડેરી દ્વારા જેટલું કામ થયું એટલી રકમ ચૂકવવા પાત્ર થાય આવું જણાવતા ગ્રામજનો અને રજૂઆત કરનારએ તળાવ બાબતે સંતોષ માન્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : દાંતા તાલુકામાં પાણીનો પોકાર, અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે કિલોમીટર સુધી રઝળપાટ