બનાસકાંઠા: રખડતા ઢોરોની સમસ્યા યથાવત : ડીસા તાલુકા પોલીસ મથક આગળ બે આખલા યુદ્ધે ચડતા લોકોમાં ભયનો માહોલ


પાલનપુર: ડીસા શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. આજે તાલુકા પોલીસ મથક આગળ બે આખલાઓનું ભારે યુદ્ધ છેડાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો.
આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ
રખડતા ઢોરનો ગુજરાતના દરેક શહેરનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. રખડતા ઢોરોને કારણે અનેક રાહેદારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ રખડતા ઢોરોની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. એક મહિના અગાઉ જ રખડતા ઢોરે અડફેટે લેતા શિવનગરમાં એક યુવતી સહિત મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે આજે તાલુકા પોલીસ મથક આગળ મોડી સાંજે સતત ટ્રાફિકથી અને રાહદારીઓથી ધમધમતા રોડ પર બે આખલાઓ એકબીજા સામે આવી જતા બંને વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું હતું.
રોડ વચ્ચોવચ આખલાઓની લડાઈ જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પોતે આ આખલાની ઝપેટમાં ન આવી જાય તે માટે સાઈડમાં સલામત સ્થળે ઉભા રહી ગયા હતા. બંને આખલાની લડાઈ એવી ચાલી હતી કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કોઈપણ રાહદારીઓએ આ આખલા યુદ્ધ જોતા તેની નજીકથી અવર જવર કરવાની હિંમત કરી ન હતી. અને આ બે આખલાની લડાઈ પૂરી ના થાય ત્યાં સુધી ત્યાંથી પસાર થવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકામાં ભંગાર મામલે કારોબારી ચેરમેનનું રાજીનામું