બનાસકાંઠા: કોલેજને ગુંડાઓનો અડ્ડો બનાવતા રોકો : ડીસાની કોલેજમાં ક્લાસરૂમની અંદર હથિયાર સાથેના ફોટા સોશ્યલ મીડિયામાં વાઈરલ
પાલનપુર: ડીસા કોલેજમાં વિદ્યાર્થીનો તિક્ષણ હથિયાર સાથેનો ફોટો વાઇરલ થતાં અખિલ વિદ્યાર્થી પરિષદે આ મામલે વિરોધ દર્શાવ્યો છે. અને આજે કોલેજમાં સંચાલકોને આવેદનપત્ર આપી હથિયારો લઈ આવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
ગુંડાતત્વો સામે ABVPના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થીઓના હિત માટે લડતી ભાજપની વિદ્યાર્થી પાંખ એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીસા કોલેજના પ્રિન્સિપલને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓની માગ છે કે કોલેજમાં તિક્ષણ હથિયાર લઈ આવવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી કોલેજ કેમ્પસમાં મારામારીના બનાવો બની રહ્યા છે અને ઘણીવાર આવી મારામારીમાં હથિયારોનો ઉપયોગ થતો હોય છે. ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ પણ એકબીજાની દેખાદેખીમાં હથિયારો લઈને આવવાની એક પ્રથા બની ગઈ છે. શિક્ષણના ધામ કોલેજ કેમ્પસ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. ત્યારે આ બદીને અટકાવવા માટે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવીને આગામી 48 કલાકમાં કોલેજોમાં હથિયાર લાવવા પર પ્રતિબંધ ફરમાવવાની માગ કરી છે.
આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન અક્ષય શર્માએ જણાવ્યું હતું કે, કોલેજએ ગુંડાઓનો અડ્ડો બની ગયો છે અને કેટલાક વિદ્યાર્થીઓ હવે શિક્ષણના ધામમાં હથિયારો લઈને આવે છે. જેથી મોટો અણબનાવ ન બને તે માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને 24 કલાકમાં આવા તત્વો સામે કાર્યવાહી નહીં થાય તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને AMCને કહ્યું- શું તમે હજું કોઈના મરવાની રાહ જોઇ રહ્યો છો?