બનાસકાંઠા: અમીરગઢના રબારીયામાં છ વ્યક્તિઓને ફૂડ પોઇઝન, એકનું મોત નિપજ્યું
પાલનપુર: અમીરગઢ તાલુકાના રબારીયા માં છ વ્યક્તિઓ રાત્રે જમ્યા બાદ સુઈ ગયા અને મોડે સુધી ન ઉઠતા પડોસીઓ એ જગાડતા હાલત લથડેલી હોઈ દવાખાને ખસેડાયા હતા. જ્યાં તબીબ દ્વારા ફૂડ પોઇઝન થયાના સંકેતો અપાતા સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.
દાળ – ઢોકળીથી ફૂડ પોઇઝન થયું હોવાનું અનુમાન
અમીરગઢના રબારીયા ગામના આદિવાસીઓ રાબેતા મુજબ રાત્રિનું ભોજન કરી સુઈ ગયા હતા. અને રોજ સવારમાં જલ્દી ઉઠી જનાર પરિવાર મોડે સુધી ન ઉઠતા પડોસીઓ ને શંકા જતા દસ વાગ્યાના સમયે તેઓ જગાડવા ગયા હતા. પરંતુ છ વ્યક્તિઓની હાલત લથડેલી જણાતાં તાત્કાલિક અમીરગઢ સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા.
ત્યાં છ વ્યક્તિઓને હાલત વધુ ગંભીર જનતા ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાલનપુર ખાતે રીફર કર્યા હતા. પાલનપુર જતી વખતે રસ્તામાં ત્રીસ વર્ષના મોતીભાઈ સમીરભાઈ બૂબડીયાનું મોત નીપજ્યું હતું. જયારે હલદીબેન મોતીભાઈ બૂબડીયા, શારદાબેન સાયરાભાઈ બૂબડીયા, પ્રિયંકાબેન અમરાભાઇ બુમ્બાર્ડીયા, વિકા શભાઈ અમરાભાઇ ચૌહાણ, પાદરીબેન સમીરભાઈ બૂબડીયા સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી મુજબ ફૂડ પોઇઝનનો ભોગ બનેલ વ્યક્તિઓ એ સાંજના સમયે દાળ – ઢોકળી ખાધી હતી. તેનાથી તેઓને ફૂડ પોઇઝન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :અજિત પવારે પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા, કહ્યું- ‘હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગુ છું જેથી…’