બનાસકાંઠા : અંબાજીના ચાચર ચોકમાં ગાયિકા અનુરાધા પૌડવાલએ કરી માતાજીની આરાધના
- આઠમા નોરતાએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું
પાલનપુર : નવરાત્રી પર્વને લઈને અંબાજી માતાના પરિસરમાં નવે નવ દિવસ ગરબાની રમઝટ જામી રહી છે. ત્યારે આઠમા નોરતાએ જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોડવાલ એ માતાજીની આરાધના કરી હતી અને ગરબા રજૂ કર્યાં હતા. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બનાસકાંઠા તથા જિલ્લા વહીવટીતંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી ચાલુ વર્ષે શક્તિ પર્વ- 2022-23 ના આયોજનના ભાગરૂપે તા. 3 નવેમ્બર-2022ના આઠમા નોરતાએ એક દિવસિય નવરાત્રિ મહોત્સવનું આયોજન અંબાજી ચાચર ચોકમાં કરવામાં આવ્યું હતું.
મા અંબાના ચાચર ચોકમાં બહોળી સંખ્યામાં માઇભક્તો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ એક દિવસીય કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકાર અનુરાધા પોડવાલ, આશિતા પ્રજાપતિ અને અમિત પ્રજાપતિના સંગીતગૃપો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.
આ પણ વાંચો : જામનગરમાંથી ઝડપાયું 10 કિલો MD ડ્રગ્સ, એકની ધરપકડ