બનાસકાંઠા: મુડેઠા ગામમાં પાંચ- પાંચ સંસ્કાર શાળાનો એક સાથે પ્રારંભ
પાલનપુર : મુડેઠા ગામમાં એક નવા ઇતિહાસની શરૂઆત થઈ છે. મુડેઠા ગામની કચેરીમાં તા.14 નવેમ્બર 22 સોમવારના બપોરે 12:00 વાગે ગામની પાંચ -પાંચ પ્રાથમિક શાળાઓમાં એક સાથે સંસ્કાર શાળાની શરૂઆત થઈ છે. આનંદ પરિવારના નેજા હેઠળ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં પાંચ શાળાના 1200થી વધુ બાળકોનું પ્રવચન યોજાયું હતું.
મુડેઠાની પાંચ-પાંચ પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી આઠ સુધીના ૧૨૦૦થી વધુ બાળકો માટે છ વર્ષના સંસ્કારશાળાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. દરેક બાળકોને ભરવા માટે ભવ્ય માનવ કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં સાધારણ માનવમાંથી ભવ્ય માનવ બનવા માટેના 16 ઉપાયો બતાવવામાં આવ્યા છે. પ્રવચનમાં પૂજ્ય શ્રીએ જણાવ્યું હતું કે, પરમાત્માના દર્શન આત્માની શાંતિ માટે કરવાના છે અને જેનામાં રાગ – દ્વેષ હોય નહિં એમને પરમાત્મા કહેવામાં આવે છે. બાળકોને રોજ ભગવાનના દર્શન કરવા, વડીલોને પગે લાગવું અને સોપારી-ગુટખા જેવા વ્યસનોનો ત્યાગ કરવાના સંકલ્પ કરાવ્યા હતા.
આ પ્રસંગે ખાસ ભારતસિંહ ભટેસરિયા (બનાસકાંઠા જિલ્લા પૂર્વ મહામંત્રી ભાજપ) તેમજ પનસિંહજી( ભીલડી મંડળ પ્રમુખ) વગેરે તેમજ મુડેઠા ગામના સરપંચ સહિત શ્રી નકળંગ યુવક મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને ખૂબ સરસ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે મુડેઠા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય હિરેનભાઈ પુરોહિત દ્વારા ખૂબજ સારો સહયોગ આપવામાં આવ્યો હતો. સોમવારે બપોરે 4:00 વાગે પૂજ્યશ્રીનું પ્રવચન મુડેઠા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ યોજાયું હતું જેમાં 500 જેટલા બાળકોએ પણ ત્રણ સંકલ્પો કર્યા હતા.
આ પણ વાંચો : Video: ખરી ખેલ દિલી હર્ષની, વિરોધ પક્ષના ઉમેદવાર સામે આવતા કરી આ વાત