બનાસકાંઠા : ડીસાના થેરવાડામાં ઝાડમાંથી પસાર થતાં વિજવાયરમાં શોર્ટસર્કિટ, ભડાકા થતા વીજળી ગુલ
પાલનપુર : ડીસા તાલુકાના થેરવાડા ગામે પસાર થતી વીજ લાઈનમાં શોર્ટસર્કિટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભારે પવનના કારણે ચાલુ લાઈનના બે વાયરો ભેગા થઈ જતાં ભડાકો થતા ઘટના સર્જાઈ હતી. શોર્ટસર્કિટના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ જાણ કરવા છતાં પણ કલાકો સુધી યોજીવીસીએલની ટીમ સમારકામ માટે ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.
દર વર્ષે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન પ્લાનિંગ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે. યુજીવીસીએલ દ્વારા પણ ચોમાસા પૂર્વે પ્રિમોનસુન પ્લાનિંગની કામગીરી કરી ભારે પવન કે વરસાદના કારણે કોઈ ઘટના ન સર્જાય તે માટેનું આયોજન અને કામગીરી થાય છે.
તેમ છતાં પણ ડીસા તાલુકાના થેરવાડા ગામમાં અનેક જગ્યાએ વિજલાઈન ઝાડમાંથી પસાર થાય છે અને તેથી ભારે પવનના કારણે બે ચાલુ વાયરો ભેગા થઈ જતા શોર્ટ સર્કિટ સર્જાઇ હતી. ત્યારે ગ્રામજનોની માગ છે કે હજુ પણ ગામમાં અનેક જગ્યાએ ઝાડમાં થઈને વીજ લાઈન પસાર થાય છે. તે તમામ જગ્યાએ યુજીવીસીએલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં હજુ પણ આનાથી વધારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.
આ પણ વાંચો : ગુજરાતના આ બીચ ઉપર મેંગો ફેસ્ટીવલનું પ્રથમવાર આયોજન કરાશે