ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: શિવધારા વોટરપાર્કને ગ્રાહકને ₹15,000 ચૂકવવાનો આદેશ

પાલનપુર, 26 જુલાઈ 2024, બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટરપાર્કમાં આનંદ માણવા આવેલા ગ્રાહકોને લાઈટ જતી રહી હોવા છતાં પૈસા પરત ન આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને રૂપિયા ૧૫ હજાર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ
આ અંગેની વિગત એવી છે કે, અંબાજી ખાતે રહેતા શક્તિસિંહ જગતસિંહ પરમાર દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, બનાસકાંઠાને આબુ હાઇવે ડીસા ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તારીખ 23/ 06/ 2022ના સવારે તેઓ તેમના અને સંબંધીના મળી ત્રણ ફેમિલી ના 11 વ્યક્તિઓ 3500 રૂપિયામાં ભાડાની ગાડી લઈ શિવધારા રિસોર્ટ પર પહોંચ્યા હતા.

મેનેજર અને સ્ટાફ દ્વારા દુરુવ્યવહાર કરાયો હતો
જેમાં પ્રવેશ ફી, ગેટ ઉપર એન્ટ્રી ફી, જમવાની ફી,કોચ્યુમના અને સામાન મુકવાના લોકર્સ મળી કુલ ખર્ચ રૂપિયા 9189 થયેલો. વોટરપાર્કમાં હજુ મોજમસ્તી શરૂ કરતા હતા તે દરમિયાન અચાનક બપોરે 12 વાગે લાઈટ જતી રહી હતી.જેના કારણે વોટરપાર્કમાં ઇલેક્ટ્રીક વેવથી ચાલતી મોજા તેમજ તમામ અન્ય રાઇડો બંધ થતા લાઈટ ક્યારે આવશે તે જાણવા રિસોર્ટના સ્ટાફને પૂછતાં ઉડાઉ જવાબ આપવામાં આવેલ. ત્યારબાદ સાંજે 4:30 વાગે લાઈટ આવેલ અને સાંજે 6 વાગે રિસોર્ટ ખાલી કરાવવાનો હોવાથી શક્તિસિંહ તેમના સંબંધીઓ તેમજ તમામ લોકોને બહાર મોકલી દેવાયા હતા. જેથી તેઓએ રિસોર્ટમાં થયેલ કુલ ખર્ચના નાણાં પરત માંગતા મેનેજર અને સ્ટાફ દ્વારા દુરુવ્યવહાર કરાયો હતો.

માનસિક ત્રાસના 1500 રૂપિયા પણ ચૂકવવાનો આદેશ
જેથી તેઓએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન, બનાસકાંઠા સમક્ષ તારીખ 28/06/2022 ના રોજ ફરિયાદ કરી હતી.જે કેસ કમિશનમાં ચાલી જતાં 23/07/2024 ના રોજ એન. પી .ચૌધરી (પ્રમુખ) ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા અને સભ્ય બી. જે. આચાર્ય અને સભ્ય શ્રીમતી એમ. એ. સૈયદની જ્યુરી દ્વારા શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ ને રૂપિયા 15000 અરજી કર્યાની તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે દિન 60માં અરજદાર શક્તિસિંહને બિનચૂક ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો .તે ઉપરાંત અરજદારને 1500 રૂપિયા ખર્ચના અને માનસિક ત્રાસના 1500 રૂપિયા પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં અસામાજિક તત્વોના વાઇરલ વિડીયો માં પોલીસ દ્વારા રાયોટીંગની ફરિયાદ

Back to top button