બનાસકાંઠા: ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ ધોવાયા
પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં અગાઉ પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામડાઓમાં જવાના મુખ્ય રસ્તાઓ તૂટી જતા ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠી થયા છે. ડીસાના દામા ગામ પાસે પણ 10થી વધુ ગામના જોડતો માર્ગ ધોવાઈ જતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
દામાથી 10 ગામને જોડતા માર્ગ પર 50 ફૂટનો ખાડો
ડીસા તાલુકાના દામા ગામથી 10થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ અગાઉ થયેલા ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેથી વરણ, જેનાલ સહિત 10 થી વધુ ગામને જોડતો આ મુખ્ય રસ્તો હતો પણ ભારે વરસાદમાં આ રસ્તો ધોવાઈ જતા અને રસ્તા પર 50 ફૂટ ઊંડો ખાડો પડતા વાહન ચાલકો, પશુપાલકો સહિત ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. દામા ગામથી પસાર થતા આ રોડ પરથી રોજના અંદાજિત 2000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે, પરંતુ હવે રસ્તા પર મોટો ખાડો પડી જતા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પણ ડર સતાવી રહ્યો છે.
ડીસામાં હજુ તો વરસાદનો પ્રથમ રાઉન્ડ જ પડ્યો છે અને ત્યાં અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. કેટલીય જગ્યાએ ગામમાં જવાના મુખ્ય માર્ગો પર ઊંડા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકો અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ ખાડાઓ કે ધોવાઈ ગયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી તરફ ઈશારો કરીને મમતા બેનર્જીએ કહ્યું, ‘અમારા ફેવરિટ…’