બનાસકાંઠા : દિવાળીના તહેવારોમાં ગુણવત્તા યુક્ત મિઠાઈ અને ફરસાણના વિતરણ માટે બેઠક
- જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે યોજાઈ બેઠક
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચનાથી દિવાળીના તહેવારોમાં ગુણવત્તા યુક્ત મીઠાઈ અને ફરસાણનું વિતરણ થાય તે માટે શનિવારે જિલ્લા પુરવઠા અધિકારી કે.કે ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં લોકોને ગુણવત્તા યુક્ત મીઠાઈ અને ફરસાણ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી તે અન્વયે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જેમાં દિવાળીના તહેવારોમાં ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરવા તેમજ મીઠાઈ/ફરસાણના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાનાર માવો, લોટ મેંદો અને અન્ય ચીજો જેવી કે, કલર, વરખ, ડ્રાયફ્રુટ્સ વિગેરે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપયોગમાં લેવા તથા વેચાણના સ્થળે સ્વચ્છતા રાખવા બાબતે ખાસ તકેદારી લેવા જણાવ્યું હતું. 25% કરતાં વધુ TPCs ( Total Polar Compounds ) વાળું તથા બળેલુ ખાધતેલ મીઠાઈ તેમજ ફરસાણની બનાવટમાં ન વાપરવા તેમજ ઘરેલુ ગેસની બોટલોનો કોમર્શીયલ ઉપયોગ ન કરવા તથા એક્સપ્લોસીવ પરવાના વગર 100 કિ.ગ્રા. કરતાં વધારે ગેસનો સ્ટોરેજ ન કરવા અંગે સૂચના આપવમાં આવી હતી. તેમજ મીઠાઈ/ફરસાણના વાજબી ભાવો વસુલ લેવા તથા ભાવ અને જથ્થાના બોર્ડ પ્રદર્શન કરવા અંગે જણાવવામાં આવ્યું હતું.
પુરવઠા અધિકારી કે.કે ચૌધરી દ્વારા તહેવારો દરમિયાન ફુડ સેફ્ટી ઓફિસરઓ એ તમામ ચીજવસ્તુઓના અલગ- અલગ જગ્યાએ (તાલુકાવાર અલગ-અલગ જગ્યાએથી તેમજ ગામડાની દુકાનોએથી) થી સેમ્પલીંગની કામગીરી તા.07 નવેમ્બર સુધીમાં પુર્ણ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં વજનકાંટા અંગે દિશા નિર્દેશ કરતાં પુરવઠા અધિકારી એ જણાવ્યું કે, વજનકાંટા તોલમાપ અધિકારી પાસે પ્રમાણિત કરાવવા તથા પ્રમાણિત ન થયેલ હોય તેવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી તેમજ ધંધાના સ્થળે વજનકાંટા પ્રમાણીત કરેલ હોવાનું સર્ટીફિકેટ પ્રદર્શિત કરવા બાબતે કાળજી લેવા અંગે જણાવ્યું હતું.
તેમજ બેઠકમાં વેચાણ તથા બનાવટના સ્થળે અગ્ની શામકો રાખવા. પેકેજીંગ આઈટમો ઉપર વસ્તુનું નામ, વજન, ભાવ, બનાવનારનું સરનામુ અને કસ્ટમર કેર નંબર ઈ-મેઈલ આઈ.ડી દર્શાવવો. વગર લાયસન્સ ધંધો કરતા વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જેવી બાબતો અંગે પણ ચર્ચા અને સૂચનો કરવામાં આવ્યા હતા.વધુમાં બેઠકમાં ઘી અથવા તેલ એમ બંન્નેમાંથી બનતી મીઠાઈઓ અલગ બોર્ડ પર દર્શાવી પ્રદર્શિત કરવી. ધી તથા માવો સારી ગુણવત્તાવાળો વાપરવો જેવી બાબતો અંગે ચર્ચા કરી તે અંગે ની જરૂરી કાર્યવાહી કરવા અંગે સૂચના અને દિશા નિર્દેશ કરવામાં આવ્યા હતા.બેઠકમાં મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન, બનાસકાંઠા, ફુડ સેફ્ટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા, જિલ્લા પ્રમુખ તથા તાલુકા પ્રમુખ, મીઠાઈ અને ફરસાણ એસોસીયેશન, બનાસકાંઠાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો : રાજ્યભરમાં આ પાંચ દિવસ સરકારી કચેરીઓ રહેશે બંધ, પરિપત્ર જાહેર