બનાસકાંઠા: કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તરત જ તપાસ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર કોઈ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું નથી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલીને કાંતિભાઈ ખરાડીનો સંપર્ક કર્યો હતો અને એમને જો કોઈ ફરિયાદ હોય તો કમ્પ્લેન નોંધાવવા કહ્યું હતું. પરંતુ કાંતિભાઈ ખરાડીએ એવી કોઈ જ ઈચ્છા નહીં હોવાનું જણાવ્યું છે. ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તા.4 ડિસેમ્બરની મધરાત પછી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ નિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચના આપી હતી.
બનાસકાંઠા પોલીસના અધિકારીઓ તત્કાળ કાંતિભાઈ ખરાડીને મળ્યા હતા. કાંતિભાઈ ખરાડી પર કોઈ જ હુમલો થયો નથી કે તેમનું અપહરણ થયું ન હતું. આ બાબત કાંતિભાઈ ખરાડીએ જાતે બનાસકાંઠા જિલ્લા પોલીસને કહી છે. પોલીસના અનુરોધ પછી પણ તેમણે કોઈ જ કમ્પ્લેન નોંધાવવાની ઈચ્છા નહીં હોવાનું કહ્યું હતું.મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી તરત જ મોડી રાત્રે જરૂરી તપાસ કરી છે, એટલું જ નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પવન ખેરાના ટ્વીટનો પણ રાત્રે 3.58 કલાકે જવાબ આપ્યો છે.