બનાસકાંઠા : ધોતા ગામના સરપંચ- તલાટીએ ખોટા બિલ ઉધારી રૂ. 19.54 લાખ ખિસ્સા ભેગા કર્યા
- જિલ્લા વિકાસ અધિકારીએ 11 મે પહેલા પૈસા ભરપાઇ કરવા આદેશ કર્યો
- સુનાવણીમાં સંતોષકારક જવાબ નહીં મળે તો ફરિયાદ નોંધાવાશે
પાલનપુર : વડગામ તાલુકાના ધોતા ગ્રામ પંચાયતની ગત ટર્મના સરપંચ અને તલાટીએ ગ્રામ પંચાયતમાં ખોટી પાવતી- વાઉચર બનાવી રૂપિયા 19.54 લાખની ઉચાપત કરી હોવાનું જીલ્લા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે. જેમને આ રકમ 11 મે પહેલા જમા કરવાનો આદેશ કરી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કરાયો છે. જો સંતોષકારક જવાબ નહી આપે તો બંને સામે પોલીસ ફરીયાદ થશે.
વડગામ તાલુકાના ધોતા ગ્રામપંચાયતમાં ગતટર્મના સરપંચ- તલાટી દ્વારા નાણાંકીય ગોટાળો આચરાયો હોવાની ગામના અરજદારે રજૂઆત કરી હતી. જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરેએ તપાસ હાથ ધરી હતી.
જેમાં વર્ષ 2018 થી 2020ના તત્કાલિન સરપંચ મૌફિક ચૌધરી અને તત્કાલિન તલાટી વિજય ચૌધરીએ ગ્રામ પંચાયતમાં નવો રોજમેળ ઉભો કરી, ગ્રામ પંચાયતના સ્વભંડોળની આવકના ખોટા વાઉચરો ઉભા કરી, પાવતીઓ જમા ન લઇ રૂપિયા 19,54,604 સરકારમાં જમા ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતુ. જેમને 11 મે 2023 પહેલા આ રકમ જમા કરાવવા અને સુનાવણી વખતે હાજર રહેવા આદેશ કરાયો છે. જેમાં સંતોષકારક જવાબ નહી આપે તો બંને સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : મહિલા પહેલવાનોના સમર્થનમાં મહિલા કોંગ્રેસ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ