બનાસકાંઠા : ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
- ધારાસભ્ય સાથે સરપંચોએ ગામડાની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે ચર્ચા કરી
પાલનપુર : ગામડાનો વિકાસ થાય અને ગામડાઓ પણ વિકસિત શહેરોની હરોળમાં ઊભા રહી શકે તે માટે આજે ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સહિતની સમસ્યાઓ અને તેના સમાધાન માટે ધારાસભ્ય અને સરપંચો સાથે સંવાદ થયો હતો.
ગામડાઓ દિવસેને દિવસે તૂટી રહ્યા છે ગામડામાં રહેતા લોકો શહેરો તરફ દોટ મૂકી છે. ત્યારે ગામડાનો વિકાસ થાય અને શહેરોમાં મળતી તમામ સુખાકારીની સુવિધાઓ ગામડાના લોકોને પણ મળી રહે તે માટે આજે ડીસામાં ધારાસભ્ય પ્રવીણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામડાથી શહેરોને જોડતા તમામ માર્ગો પર દબાણ હટાવી પાકા રસ્તા બનાવવા, શાળાઓ માટે જગ્યા નીમ કરવી અને શાળાઓની આસપાસ ચાલતા પાન બીડી મસાલાના ગલ્લાઓ બંધ કરાવવા, ગૌચરની જગ્યાઓ પરથી દબાણ હટાવી ત્યાં વનીકરણ અને રમત ગમતના મેદાન બનાવવા, તાલુકા લેવલની ગ્રાન્ટ વસ્તીના ધોરણે આપવઇ, સ્મશાન માટે જગ્યા નીમ કરવી, તળાવમાંથી પસાર થતા રસ્તા પર કોજવે બનાવવો, જમીન વગરના અને ખોડખાપણ વાળા લોકો સહિત જરૂરિયાતમંદ લોકોને બીપીએલ લાભાર્થીની યાદીમાં સમાવેશ કરાવવો, સરકારી કોલેજ, તેમજ તેમજ તલાટીઓની કામગીરી પર નજર રાખવા માટે સરપંચોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી.
આ અંગે દામા ગામના આગેવાન ઇશ્વર દેસાઈ અને જોરાપુરા ગામના સરપંચ પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગામડાઓમાં રોડ, રસ્તા, પાણી, ગટર, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણની અનેક સમસ્યાઓ છે. જેના માટે આજે રજૂઆત કરતા ધારાસભ્યએ સરપંચોની રજૂઆત સાંભળી તેનો ઉકેલ લાવવા માટેની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે તમામ ગ્રામ પંચાયતો સોલર સિસ્ટમ આધારિત બનશે અને ડીસાની તમામ શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેજ પાણી વિધાર્થીઓ પીવાના ઉપયોગમાં લે તેવું આયોજન કરાયું છે.
આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત