બનાસકાંઠા : જિલ્લામાં રેતીની ક્વોરીઓ શનિવારથી પુન: ચાલુ થશે
- સરકારી વિભાગોની કનડગતને કારણે કવોરી સંચાલકો હડતાલ પર ઉતર્યા હતા
- ભૂસ્તર અધિકારી સાથે બેઠક બાદ હડતાલનું કોકડું ઉકેલાયું
પાલનપુર : રાજ્યભરમાં સૌથી વધુ રેતીની કવોરી લીઝ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ સિવાય અન્ય સરકારી વિભાગોની કનડગતના કારણે લીઝ સંચાલકોએ હડતાલ પર જતા પાંચ દિવસથી કવોરીઓ બંધ હતી. જેના કારણે સરકારને કરોડ રૂપિયાની રોયલ્ટીની આવકનો ફટકો પડી રહ્યો હતો. જોકે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીએ ક્વોરી સંચાલકો સાથે બેઠક કરી નિયમાનુસાર કવોરી ચલાવવાનું જણાવી સમાધાન કરતા કવોરી સંચાલકોએ હડતાલ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શનિવારથી ફરીથી તમામ કવોરીઓ ધમધમતી થશે.
બનાસકાંઠા જિલ્લામાં બનાસદી, સિપુ નદી સહિતની નદીઓમાં રેતીની 250થી વધુ ક્વોરીઓ ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રીતે થતી કાર્યવાહી સામે પગલાં લઈ દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. જોકે તાજેતરમાં જિલ્લા પોલીસની એસઓજીની ટીમે કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે નદીમાં ચાલતા ત્રણ હિટાચી મશીનો પકડી લેતા લીઝ સંચાલકો નારાજ થઈ હડતાલ ઉપર ઉતર્યા હતા. જેના કારણે છેલ્લા ચાર દિવસથી હડતાલ ચાલુ રહેતા તમામ કવોરીઓ બંધ હોવાથી સરકારને રોયલ્ટીની આવકનો મોટો ફટકો પડી રહ્યો હતો.
જે બાબતે જિલ્લા ભૂસ્તર અધિકારી ગુરૂપ્રિતસિંઘે લીઝ સંચાલકોને સમજાવવા બેઠક યોજી હતી. જેમાં ભૂસ્તર અધિકારીએ લીઝ સંચાલકોને ફરજિયાત રોયલ્ટી કાઢવા તેમજ નિયમાનુસાર કવોરી ચલાવવા જણાવી સંચાલકોએ કરેલા પ્રશ્નોના જવાબ આપી તેમજ તેમને પડતી હાલાકીઓ દૂર કરવાનું જણાવતા સમાધાન થયું હતું. જેથી સંચાલકોએ હડતાલ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરતા શનિવારથી ફરીથી તમામ ક્વોરીઓ ધમધમતી થશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં 32 કરોડના ખર્ચે બનેલ 1392 મકાનો બન્યા ખંડેર