બનાસકાંઠા : સંતો ગુજરાતના ગામેગામ ગૌમાતા- રાષ્ટ્રમાતા માટે કરશે આંદોલન
- ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવવા સંતોના આંદોલનને પરમધર્મ સંસદનું સમર્થન
પાલનપુર 18 ડિસેમ્બર :સનાતન હિન્દુધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેય પીઠના શંકરાચાર્યોના આશીર્વાદથી સંતો દ્વારા ગૌમાતા – રાષ્ટ્રમાતા આંદોલન શરૂ કરાયું છે. દિલ્હીમાં મળેલા અધિવેશનમાં જ્યોતિષપીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંતોના આંદોલનને ગામે ગામ લઈ જવા હાંકલ કરી છે. ત્યારે મહેસાણા ખાતે ગુજરાત પરમધર્મસભાની એક રાજ્ય સ્તરીય મિટિંગ સંસ્થાના અધ્યક્ષ કિશોરજી શાસ્ત્રી(ડીસા)ના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં શંકરાચાર્યોના આદેશને માથે ચડાવી પરમધર્મસંસદ 1008 દ્વારા આ આંદોલનમાં જોડાઈને સંપૂર્ણ સમર્થન કરવાનો નિર્ણય લેવાયો છે.
આગામી દિવસોમાં આ આંદોલનને સક્રિય બનાવવા ગામેગામ ગૌ – ગોષ્ઠિ સભાનું આયોજન કરવામાં આવશે અને સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માગ કરાશે. જિલ્લા અને રાજ્ય સ્તરે પણ કાર્યક્રમો થશે. લોક જાગૃતિ ઉપરાંત સંતોના માર્ગદર્શનમાં 6/2/24ના રોજ પ્રયાગ ખાતે શંકરાચાર્યના અધ્યક્ષ સ્થાને એક ગૌસંસદ મળશે. જેમાં સહભાગી થવા ગુજરાતના પ્રત્યેક સંસદીય વિસ્તારમાંથી એક એમ કુલ 26 સંતો પ્રયાગ પહોંચશે.
આ અંગે સંસ્થાના અધ્યક્ષ કિશોરભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગામેગામ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા આંદોલનની તૈયારીઓ થઈ રહી છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં ગૌદૂત મોકલી ગૌ સેવા અને ગાયની મહિમા સમજાવી કતલખાના બંધ કરવા, ગાયની કતલ રોકવા, શાકાહારી ભોજન કરવા અને માંસાહાર ત્યાગ કરવા માટે લોકોએ શિક્ષણ અપાશે.
આ બેઠકમાં ગૌભક્ત કાલીદાસ બાપુ (દેકાવાડા), ઘેલા સોમનાથના મહંત વિક્રમગીરી બાપુ, અવધકિશોરદાસજી મહારાજ (ચાણસ્મા), બ્રહ્મમુનીજી મહારાજ (ગોતરકા), નિજાનંદ બાપુ(છોટા ઉદેપુર), સાધ્વી ગીરિજાગીરીજી (કચ્છ), વિદ્વાન કથાકાર કનૈયાલાલ પંડ્યા (ગાંધીનગર), વિદુષી ડૉ. ગાર્ગી પંડિત (વડોદરા), મહંત શૈલેશગીરી (સુરત) અમિત જાની (આણંદ ), શંભુપ્રસાદ પાઠક (ગોધરા), હિરેન ત્રિવેદી (જામનગર), હિરેન જોશી (રાજકોટ), ગૌભકત લાભશંકર રાજગોર (સમી), ધર્માંસદ વિજય પટેલ (મહેસાણા), વિપુલ માધાણી (ગીર), મનોજ પટેલ (અમદાવાદ), સંજય રાવ (ખેડા) સહિત અનેક સંતો, વિદ્વાનો, કથાકારો, ધર્માધાયકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર-આબુ હાઈવે પર ક્રેટા અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, એરબેગ ખુલ્લી જતા જાનહાનિ અટકી