બનાસકાંઠા : જિલ્લાના 1299 લોકેશન પર વેબકાસ્ટિંગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ
- લાઈવ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
- મોકપોલથી શરૂ કરી મતદાન મથક છોડવામાં આવે ત્યાં સુધીના ઘટનાક્રમ પર સતત વેબકાસ્ટિંગ વોચ
પાલનપુર 6 મે 2024 : બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ્ર કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. મતદાન ફરજમાં રોકાયેલા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પોલિંગ સ્ટેશન પર પોતાની ફરજ પર તૈનાત થઈ ગયા છે.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા ૫૦ ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર વેબકાસ્ટિંગ કેમેરા દ્વારા વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા કલેકટર કચેરી પાલનપુર ખાતે લાઈવ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેના દ્વારા જિલ્લાના ક્રિટિકલ સંવેદનશીલ સહિતના 1299 લોકેશન પર મોનીટરીંગ, સુપરવિઝન અને એક્શનની કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરન વાલ તથા વેબકાસ્ટીંગ નોડલ ઓફિસર સી.પી.પટેલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લા કલેકટર કચેરી પાલનપુર ખાતે લાઈવ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 4 જણનો સ્ટાફ મળી જિલ્લાની 9 વિધાનસભા માટે 36 કર્મચારીઓ વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. જેમાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ કલેકટર અંકિતાબેન ઓઝા અને નોડલ ઓફિસર કમ્યુટરાઈઝેશન નંદકિશોર ટાંક દ્વારા તમામ 1299 લોકેશન પર થતી દરેક ગતિવિધિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. મતદાનના દિવસે પણ મોક પોલથી શરૂ કરી મતદાન શરૂ થાય અને સાંજે મતદાન મથકનો સ્ટાફ મતદાન મથક છોડે નહિ ત્યાં સુધી વેબકાસ્ટિંગ દ્વારા વોચ રાખવામાં આવશે.
વેબકાસ્ટિંગ અંતર્ગત મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવીલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું, ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત ક્રાઉડ મેનેજમેન્ટ, અન વોન્ટેડ એક્ટિવિટી પર દેખરેખ અને કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક કન્સર્ન અધિકારીને જાણ કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : લોકસભા બેઠક પર અંતિમ ચરણનો ડોર ટુ ડોર પ્રચાર