ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : 15 અને 16 જૂન બે દિવસ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે અંબાજીમાં રોપ વે રહેશે બંધ

  • પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટિમો તૈયાર
  • કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
  • SDRF ની એક ટીમ સ્ટેન્ડ બાય
  • નદી, નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે કે સેફ હાઉસમાં આશરો લેવા તંત્રની અપીલ

પાલનપુર : હવામાન વિભાગ અનુસાર બિપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની શકયતા છે. જિલ્લામાં સંભવિત અસરોને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વાવાઝોડા સમયે લોકોને રાખવાની સાવચેતી સલામતીના પગલાં અને તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે પત્રકારોને જાણ કરવામાં આવી હતી.


જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે પ્રેસને સંબોધતાં જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડું 15 તારીખે માંડવી કચ્છ વચ્ચે લેન્ડફોલ થવાનું છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ અસરગ્રસ્ત થવાના છે. ખાસ કરીને સરહદી થરાદ, વાવ, સુઇગામ જેવા તાલુકાઓમાં તેની અસર ભારે જોવા મળી શકે એમ છે. ત્યારે જિલ્લામાં 15 જૂન અને 16 જૂન ના બે દિવસો દરમિયાન વાવાઝોડાને પગલે ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાને પગલે થનાર સંભવિત નુકશાનને પહોંચી વળવા અને સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટિમો તૈયાર કરી દરેક કચેરીમાં સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ યાત્રાધામ અંબાજીમાં બે દિવસ માટે વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને રાખી રોપ વે એજન્સીને રોપ વે બંદ રાખવા સૂચના આપવામાં આવી છે.

કલેકટર વરુણકુમાર બરનવાલે જિલ્લાના નાગરિકોને વાવાઝોડા સામે સાવચેત રહેવા અને સલામતી રાખવાની અપીલ સાથે જણાવ્યું કે નદી કે નીચાણ વાળા વિસ્તારમાં રહેતા નાગરિકો અગમચેતી રાખી ઊંચાણવાળા સલામત સ્થળે પહોંચી જાય. તેમજ ગામના સરપંચ કે તલાટીનો સંપર્ક કરી સેફ હાઉસમાં આશરો લઈ શકે છે. કાચાં અને જર્જરિત મકાનો માં રહેતા લોકોએ આવાં આવાસો છોડી વહેલાસર સલામત સ્થળે કે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ સેફ હાઉસમાં સ્થળાંતરિત થવા અપીલ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલ, પીવાનું પાણી, કમ્યુનિકેશન અને જનરલ કચેરીઓ એમ ચાર સ્તરે પ્રાથમિકતા નક્કી કરી આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.


જે અંતર્ગત યુ.જી. વી.સી.એલ ની 40 ટિમો તૈનાત કરવાની સાથે મહેસાણા અને હિંમતનગર ની ટિમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એસ.આર.પી કેમ્પ મડાણા ખાતે SDRF ની એક ટીમ અને એક રિઝર્વ ટીમ જિલ્લા માટે અવેલેબલ રહેશે. હોસ્પિટલ અને અગત્યની સરકારી કચેરીઓમાં જનરેટર મુકવાનું આયોજન કરી દેવાયુ છે. સાથે જ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાના કિસ્સામાં પાણી ખેંચવા માટેની ટિમો તૈયાર રાખી વાવઝોડા સામેની અસરોને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂરતી તકેદારી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવાઝોડા વરસાદના સમયે જાન માલને નુકશાન ન થાય એ માટે લોકોએ આફત પહેલાં અગમચેતીના ભાગરૂપે સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : બિપરજોય ચક્રવાત : સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાણો શું છે રેલવે વિભાગની તૈયારી ?

Back to top button