ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં નમકીન વેપારી પાસેથી રૂપિયા પોણા બે લાખ ભરેલી બેગની લૂંટ

Text To Speech
  • ત્રણ શખ્સોએ બેગ છીનવતાં ટુવ્હીલર પરથી દિવ્યાંગ વેપારી પડી ગયા
  •  નમકીન વેચાણની રકમ લઇ ઘરે જતા હતા
  • લૂંટારા બાઇક અને મોબાઇલ મુકી ફરાર

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નમકીનના દિવ્યાંગ વેપારી તેમના જ્યુપીટર ઉપર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો રૂપિયા 1.75 લાખ ભરેલી બેગની લૂંટ કરી નાસી છુટ્યા હતા. આ અંગે વેપારીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાલનપુરમાં નમકીન વેપારીને લૂંટવાની ઘટના સામે આવી છે. જેમાં આકેસણ રોડ ઉપર આવેલી અક્ષતમ સોસાયટીમાં રહેતા પટેલ ભાવેશભાઇ ગોરધનભાઇ (માંકડીયા) રાબેતા મુજબ રાત્રે 9: 00 કલાકે અમદાવાદ હાઇવે નજીક પંચવટી સોસાયટી પાસે આવેલી તેમની નમકીનની એજન્સીએથી રૂપિયા 1,75,000 બેગમાં ભરી તેમનું જ્યુપીટર નં. જીજે. 08. એ.આર. 6551 લઇ ઘરે જવા નીકળ્યા હતા.

જેઓ પાલનપુર- અમદાવાદ પુલ ઉતરી ઉપાસના સ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલુ જ્યુપીટરે પીઠ ઉપર લટકાવેલી બેગ ખેંચી હતી. આથી તેઓ નીચે પટકાયા હતા. દરમિયાન ત્રણેય શખ્સો નીચે ઉતરી વેપારી સાથે ઝપાઝપી કરી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે તેમણે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ નમકીન ના વેપારી ભાવેશભાઇ ડાબા પગે દિવ્યાંગ છે. જેઓ જ્યુપીટર ઉપરથી નીચે પડી ગયા પછી બે શખ્સો ઝપાઝપી કરી બેગની લૂંટ કરી અંધારામાં નાસી ગયા હતા. જોકે, ત્રીજો શખ્સ નીચે પડેલું બાઇક લેવા જતાં તેને ભાવેશભાઇએ પકડી લીધો હતો. આથી શખ્સે ચપ્પુ મારવા જતાં તેનો હાથ પકડી લીધો હતો. તેનું ચપ્પુ પડી ગયું હતુ. વેપારીએ બુમાબુમ કરતાં શખ્સ બાઇક ત્યાં મુકીને નાસી ગયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં ફેરિયાના નામે કંપની ખોલી કરોડોનું કૌભાંડ કર્યું

Back to top button