બનાસકાંઠા : 10 નોટીસ ફટકારી છતાં રોડ ન બનાવ્યો, ડીસામાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
- મંજૂરી મળ્યા બાદ દોઢ વર્ષ સુધી 6 રોડની કામગીરી શરૂ ન કરી
- અન્ય એજન્સીને કામ સોંપી તાત્કાલિક રોડ બનાવાશે
પાલનપુર : ડીસામાં મંજૂરી મળ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી છ રોડની કામગીરી શરૂ ન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. બાકી તમામ રોડનું કામ 4.2 કરોડમાં અન્ય એજન્સીને આપી દઇ જલ્દી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવશે.
ડીસા તાલુકામાં અનેક જગ્યાએ રોડની મંજૂરી મળી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરાયું નથી. તો કેટલી જગ્યાએ તો મેટલ પાથરી દીધો છે, પરંતુ રોડની કામગીરી શરૂ ન થતા ગ્રામજનો અને વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ડીસા તાલુકામાં જવાનસિંહ સોલંકીને પણ 3.30 કરોડમાં 6 રોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં દામા ગામમાં બે, વરણ ગામે બે, નાગફણા ગામમાં એક અને એક રોડ ગુગળ ગામે એમ કુલ 6 રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ 2020-21માં મળેલા કોન્ટ્રાક્ટ બાદ દોઢ વર્ષ થવા છતાં પણ એક પણ રોડની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી.
જેથી રોડ બનાવવાની કામગીરી શરૂ ના કરતા અને ટેન્ડરની શરતોનો ભંગ કરતા ડીસા માર્ગ અને મકાન વિભાગ અત્યાર સુધી કુલ 10 વાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીની શરૂઆત કરતા આખરે ડીસા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
નોટિસ આપવાની તમામ પ્રક્રિયાની માહિતી ઉપલી કચેરીએ મોકલ્યા બાદ જવાનસિંહ સોલંકીને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરી એન. જી. પ્રોજેક્ટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં છ રોડનો કોન્ટ્રાક્ટ અગાઉ આપેલી રકમ 3.30 કરોડની જગ્યાએ 21.60 ટકા એબોવ કરી 4.02 કરોડમાં આપવામાં આવ્યો છે. જેથી હવે ટૂંક સમયમાં જ આ રોડની કામગીરી શરૂ થશે અને ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા હોદેદારોની કરાઈ વરણી