બનાસકાંઠા : ડીસામાં NPK ખાતરની અછતને લઈ કૃષિ મંત્રીને રજુઆત
પાલનપુર : ડીસામાં બટાકાની વાવણી ટાઈમે જ એનપીકે ખાતરની અછત થતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવણીના સમયે જ ખાતર ન મળતા ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી ખાતર પૂરું પાડવા રજૂઆત કરી છે. તેમને ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની તેમજ મોટું આર્થિક નુકસાન થવાની દહેશત પણ વ્યકત કરી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી પત્ર લખ્યો
ડીસામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે બટાટાની વાવણી સમયે જ એનપીકે ખાતરની અછત ઉભી થતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 65000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. જેમાં વાવણી સમયે મુખ્ય ખાતર તરીકે એનપીકે ખાતર આપવાનું રહે છે. આથી જિલ્લામાં 1.5 લાખ ઉપરાંત બેગ એનપીકે ખાતરની જરૂરત પડે છે. પરંતુ આ વર્ષે યોગ્ય પ્રમાણમાં ખાતર નહીં આવતા હવે વાવણી સમયે જ ખાતરની અછત ઊભી થઈ છે.
ખેડૂતો ખાતર માટે હાલ આમથી તેમ રઝળપાટ કરી રહ્યા છે.ખાતર ન મળવાના કારણે અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલમાં ડીસા તથા બનાસકાંઠા જિલ્લામાં કુલ મળીને 40 થી 50 હજાર બેગ જેટલા ખાતરની તાત્કાલિક જરૂર છે. જો આટલા પ્રમાણમાં ખાતરનો જથ્થો એક બે દિવસમાં ઉપલબ્ધ નહીં થાય તો અનેક ખેડૂતોને કાપેલું બિયારણ બગડી જશે.
આ અંગે રાજ્યના પશુપાલન અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ ખેડૂતોને બટાકાની આ સિઝનમાં તાત્કાલિક અને પૂરતો ખાતરનો જથ્થો મળી રહે તે માટે પત્ર લખીને રજૂઆત કરી છે. તેમને પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે.જેથી સરકારે તાત્કાલિક ધોરણે બનાસકાંઠામાં એનપીકે ખાતર ઉપલબ્ધ કરાવવું જોઈએ.
આ પણ વાંચો : ED દ્વારા પૂછપરછ માટે સમન્સ, હેમંત સોરેને કહ્યું- ‘ષડયંત્રનો જવાબ આપવામાં આવશે’