બનાસકાંઠા : નર્મદાની મુખ્ય કેનાલનું આધુનિક ટેકનોલોજી દ્વારા રીપેરીંગ અને સફાઈ કામ શરૂ
- નર્મદા મુખ્ય કેનાલમાં થતું પાણી સીપેજ થી હવે મળશે છુટકારો
- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નર્મદા કેનાલના કામગીરીની કરી સમીક્ષા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર માટે નર્મદાની મુખ્ય કેનાલ જીવાદોરી છે. આ કેનાલની સફાઈ તેમજ કેનાલમાંથી લીકેજ થતા પાણીની કાયમી સમસ્યા હલ થાય તે માટે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે કેનાલ સફાઈ તેમજ રીપેરીંગની કામગીરી ટેકનોલોજીના માધ્યમથી શરૂ કરવામાં આવી છે. જે કામગીરીની સમીક્ષા માટે વિધાનસભાના અધ્યક્ષ એ કેનાલમાં ચાલતી કામગીરીનું સ્થાનિક આગેવાનો તેમજ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની સાથે જાત નિરીક્ષણ કર્યું.
સરહદી વિસ્તારમાં પીવા તેમજ ખેતીલાયક પાણી પૂરું પાડવા માટે નર્મદાની કેનાલ મહત્વની છે. છેલ્લા 15 વર્ષથી આ કેનાલમાં સતત પાણી વહી રહ્યું છે. જેના કારણે કેનાલ આસપાસની જમીનમાં કેનાલનું પાણી જમીનમાં સીપેજ થતું હતું.
જેના કારણે આજુબાજુના ગામની જમીન ખરાબ થઈ રહી હતી. તેમજ કેનાલમાં છેલ્લા 15 વર્ષ કચરો અને અન્ય ચીજવસ્તુઓ કેનાલમાં ભરાઈ રહી હતી.
પાણીના સીપેજ તેમજ કેનાલ સફાઈની વારંવાર રજૂઆતો મળતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ કામને અગત્યતા આપી લોકોની મુશ્કેલીને દૂર કરવા તેમજ પાણીના ક્ષારના કારણે બગડતી જમીનના માટે સરકારમાં ખાસ કિસ્સામાં મંજૂર કરાવી આધુનિક ટેકનોલોજી થી કેનાલ રીપેરીંગ તેમજ સફાઈ કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
શું છે કેનાલ રીપેરીંગ અને સફાઈની મહત્વની બાબતો
- નહેરની તૂટેલી લાઇનિંગ તથા જોઈન્ટ ફરીથી રીપેરીંગ કરવા
- કેનાલની કૉન્ક્રીટ બેડની સરફેસને પાણીના પ્રેસર જેટ અને બ્લોઅર ડસ્ટ સાફ કરવો.
- નેનો ટેકનોલોજી આધારે નેનોસીલ હાઇડ્રોલીક લીક્વીડ મટીરીયલનો પંપ થી સ્પ્રે કરવો
- લાઇનિંગ અંદર 40 mm સુધી કરવું, જેથી કૉન્ક્રીટના છિદ્રો પુરી દેવાથી પાણી ન ઘૂસે
- એક્રેલીક આધારીત વોટરપ્રુફ સફેદ કલરમાં 1000 માઇક્રોનનું થિકનેસ મટેરિયલ લગાડવામાં આવે છે જેથી સીપેજ રોકાઈ શકે.
View this post on Instagram
એક સાથે ૧૫૦૦થી વધુ લોકો કામગીરીમાં, માત્ર 15 દિવસમાં કામ પૂર્ણ કરાશે
થરાદની મુખ્ય કેનાલમાં થતી કામગીરીમાં 1500થી વધુ લોકો એક સાથે કામગીરી કરી માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ આ કામગીરી પૂર્ણ કરવાના છે. આ કામગીરી માં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નર્મદા કેનાલ પર ચાલતી આ કામગીરી જાત નિરીક્ષણ કર્યું હતું.
તેમજ સંબંધિત અધિકારીઓ સાથે મેરોથન બેઠક કરી હતી. કેનાલ પર જે કામ થઈ રહ્યું હતું તે કામની ચકાસણી કરી હતી.જે કામ થયું છે ની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી કરી તમામ માહિતી થી અવગત થયા હતા.
થરાદ પાસેની નર્મદા કેનાલમાં ચાલતા કામ ના નિરીક્ષણ અર્થે પહોંચેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સાંસદ પરબતભાઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને નર્મદાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરના બાદરપુરામાં ફૂડ વિભાગનો દરોડો, બેકરીમાંથી 1280 કિલો લાલ ચટણીનો જથ્થો કર્યો સીઝ