બનાસકાંઠા : વારંવાર તૂટી જતા ડીસાના હાઈવે રોડનું CM આવતા ફરીથી સમારકામ
- રસ્તાનું ઉતાવળમાં કામ કરતી હાઇવે ઓથોરિટી લાખો રૂપિયાનો ધુમાડો કરે છે
પાલનપુર 8 ફેબ્રુઆરી: ડીસાના એલિવેટેડ ઓવરબ્રિજની બાજુમાં ડીસા શહેરમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના બિસ્માત રસ્તાઓનું મુખ્યમંત્રી આવવાના હોવાથી ફરીથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે ઉતાવળથી આ રસ્તાઓનું ઢંગધડા વગરનું સમારકામ થતું હોવાથી તુરંત જ તૂટી જાય છે અને લાખો રૂપિયાનો ધુમાડો થાય છે તેમજ લોકોને પણ ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે.
ડીસાના એલિવેટેડ બ્રિજની બાજુમાં રાજમંદિર સિનેમાથી આગળ હિંગળાજ પંપથી લઇ પ્રાઈમ હોટલ સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ બિસ્માર હાલતમાં છે. આ રસ્તા નું અગાઉ ત્રણથી ચાર વખત સમારકામ કરવામાં આવ્યું છે. જોકે રસ્તો એક ચોમાસુ પણ ટકતો નથી અને સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ જાય તે રીતે ઢંગધડા વગરનું સમારકામ કરી નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે.
થોડા સમય અગાઉ જ સમારકામ કરેલો રસ્તો હાલમાં સાવ બિસ્માર બની જતા ડીસામાં મુખ્યમંત્રી પધારવાના હોવાથી તાત્કાલિક ધોરણે પેવરિંગ કરવામાં આવી રહ્યો છે. જોકે હાઇવે ઓથોરિટી દ્વારા અગાઉની જેમ જ હાલમાં પણ ખૂબ જ ઉતાવળે અને સાવ ગુણવત્તા વગરનું કામ ચાલી રહ્યું હોવાથી આ રસ્તો કેટલો સમય ટકશે તે કહેવું પણ મુશ્કેલ છે. અગાઉ ચાર થી પાંચ વખત રીપેરીંગ કરેલો રસ્તો ટુંકજ સમયમાં તૂટી જતો હોવાથી તેટલા ભાગમાં આરસીસી રોડ બનાવી મજબૂતાઈ કરવા અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ડીસા નાયબ કલેકટરને જણાવ્યું હતું.
જોકે હવે મુખ્યમંત્રી ડીસા આવવાના હોવાથી આરસીસી રોડ કર્યા વગર જ તાત્કાલિક માત્ર હલકી ગુણવત્તા નો પાતળો ડામર રોડ બનાવી કામગીરીથી સંતોષ માનવાનો હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ રસ્તો ફરીથી સમારકામ થયા બાદ પણ કેટલો ટાઈમ ટકશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.
આ પણ વાંચો : રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને અંધાપાની અસર, અમદાવાદ સિવિલમાં ખસેડાયા